ગુજરાત
News of Monday, 18th November 2019

શાળાઓમાં ચટ્ટપટા ખાદ્ય પદાર્થો(જંક ફુડ)પર પ્રતિબંધ મૂકાશે

કેન્‍દ્ર સરકારે ૪ ડીસેમ્‍બર સુધીમાં વાંધા-સૂચનો મંગાવ્‍યાઃ ગુજરાત સરકાર અમલની દિશામાં : પીઝા, બર્ગર ઉપરાંત વધુ પડતી ખાંડ, નીમક, ચરબીવાળો ખોરાક બાળકોના આરોગ્‍યને હાનિકારકઃ પ૦ મીટરની ત્રિજયમાં બાન આવશે

રાજકોટ, તા., ૧૮: ભારત સરકારે બાળકોના આરોગ્‍યના હિતને ધ્‍યાને રાખી  શાળાઓ અને આસપાસના વિસ્‍તારમાં જંકફુડ તરીકે ઓળખાતા ચટપટ્ટા ખાદ્ય પદાર્થોના વેચાણ પર તેમજ જાહેરાત અને સંગ્રહ કરવા પર પ્રતિબંધ મુકવા માટે સુચિત  નિયમો તૈયાર કરી ઓનલાઇન વાંધા સુચનો મંગાવ્‍યા છે. તા.૪ ડિસેમ્‍બર સુધીમાં નાગરીકો વાંધા સુચનો આપી શકે છે ત્‍યાર બાદ સરકાર આખરી નિયમો તૈયાર કરી પ્રતિબંધના અમલની તારીખ જાહેર કરવા માંગે છે. ગુજરાતમાં સરકારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ અંગેની અમલવારી કરાવાશે. તંત્રના કમિશ્નર ડો.એચ.જી.કોશિયાની ટીમ દ્વારા આ અંગેની પુર્વ તૈયારી થઇ રહી છે.

પીઝા બર્ગર તેમજ વધુ પડતી ખાંડ નિમક અને ફેટવાળા તેમજ અમુક પ્રકારના તળેલા ખાદ્ય પદાર્થો બાળકોના આરોગ્‍ય માટે જોખમી છે. સરકાર આરોગ્‍યપ્રદ ખોરાકને પ્રોત્‍સાહન આપવા માંગે છે બાળકોના આરોગ્‍ય સાથે ચેડા કરી શકે તે પ્રકારના જંકફુડના વેચાણ સંગ્રહ અને જાહેરાત પર ધો.૧ થી ૧ર સુધીની શાળાઓમાં તેમજ આસપાસની પ૦ મીટરની ત્રિજયામાં પ્રતિબંધ મુકવાની તૈયારી ચાલી રહી છે.  બાળ વિદ્યાર્થીઓ નિર્ધારીત બહારથી શાળામાં આવો ખોરાક લાવીને આરોગે નહિ તે માટેની પણ જોગવાઇ કરવામાં આવશે. કેન્‍દ્ર સરકાર જે રીતે નવા નીતી નિયમો અમલમાં લાવે તેનો ગુજરાતમાં અમલ કરાવવા માટે રાજય સરકાર સજ્જ છે.

(3:09 pm IST)