ગુજરાત
News of Monday, 18th November 2019

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ

સુરેન્દ્રનગરમાં પેપર સીલ તુટેલું હોવાનું કહી હોબાળો : બિનસચિવાલય ક્લાર્ક-ઓફિસ આસિસ્ટન્ટની ૩૯૦૧ જગ્યા માટે ૧૦.૪૫ લાખથી વધુ ઉમેદવારે પરીક્ષા આપી

અમદાવાદ, તા. ૧૭ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની બિનસચિવાલય ક્લાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની ૩૯૦૧ જગ્યાઓ માટે આજે પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ રહી હતી પરંતુ સુરેન્દ્રનગરમાં પરીક્ષા આપવા ગયેલા ઉમેદવારોએ પેપરનું સીલ તુટેલું હોવાનું કહીને હોબાળો મચાવ્યો હતો. સામાન્યરીતે વર્ગમાં પેપરનું પેકેટ સીલબંધ આવે છે અને ઉમેદવારોની હાજરીમાં તેનું સીલ તોડવામાં આવે છે. ઉમેદવારોની સહી પણ તેમાં લેવામાં આવે છે. સુરેન્દ્રનગરમાં આ પેકેટ ખુલ્લુ આવ્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓના હસ્તાક્ષર પણ લેવામાં આવ્યા ન હતા. ઉમેદવારોએ ગેરરીતિની આશંકા સાથે હોબાળો મચાવ્યો હતો. સાથે સાથે પોલીસ તપાસની માંગ કરવામાં આવી હતી. બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા ફરી વિવાદમાં આવી હતી. દલિતો માટે વાંધાજનક શબ્દની પણ બાબતને લઇને હોબાળો થયો હતો. આજે હજારોની સંખ્યામાં ઉમેદવારો જોડાયા હતા.

                    સમગ્ર ગુજરાતમાંથી ૧૦.૪૫ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજ્યના દરેક જિલ્લામાં હજારોની સંખ્યામાં ઉમેદવારો સરકારી નોકરી મેળવવા પરીક્ષામાં જોડાયા હતા. અમદાવાદમાં ૧.૬૭ લાખ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ ઉમેદવારો સવારે ૧૧ વાગે પરીક્ષા ખંડમાં પહોંચી ગયા હતા. પરીક્ષાનો સમય ૧૨થી બે વાગ્યા સુધીનો રહ્યો હતો. છેલ્લે ૨૦૧૬માં બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની ૪૬૮૨ જગ્યા માટે પરીક્ષા યોજાઈ હતી જેમાં ૬૭૬૦૪૮ ઉમેદવાર બેઠા હતા. પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને ૨૦૧૭માં નિમણૂંક આપવામાં આવી હતી. બેઠક વ્યવસ્થા ખુટી પડતા ચાર જિલ્લાના ૪૮૦૦૦ વિદ્યાર્થીઓને અન્ય જિલ્લાઓમાં ખસેડવામાં આવ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, છેલ્લે ૨૦૧૬માં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષામાં બેઠા હતા. ધોરણ ૧૨ પાસ થયેલા ઉમેદવારો માટે સરકારી ક્લાર્ક બનવાની આ એક તક રહી હતી. મળેલા અહેવાલ મુજબ અગાઉ અનેક પ્રકારના વિવાદોના કારણે બિનસચિવાલય પરીક્ષા હાઈવોલ્ટેજ ડ્રામા તરીકે રહી હતી. સુરેન્દ્રનગરમાં આજે ફરી એકવાર હોબાળો મચી ગયો હતો. જો કે, પોલીસે પહોંચી જઇને મામલાને ઠાળે પાડ્યો હતો.

બિનસચિવાયલ પરીક્ષા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની બિનસચિવાલય ક્લાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની ૩૯૦૧ જગ્યાઓ માટે આજે પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ રહી હતી પરંતુ સુરેન્દ્રનગરમાં પરીક્ષા આપવા ગયેલા ઉમેદવારોએ પેપરનું સીલ તુટેલું હોવાનું કહીને હોબાળો મચાવ્યો હતો. સામાન્યરીતે વર્ગમાં પેપરનું પેકેટ સીલબંધ આવે છે અને ઉમેદવારોની હાજરીમાં તેનું સીલ તોડવામાં આવે છે.આજે યોજાયેલી પરીક્ષાનું ચિત્ર નીચે મુજબ રહ્યું હતું.

કુલ જગ્યા.................................................. ૩૯૦૧

કુલ પરીક્ષા કેન્દ્રો........................................ ૩૧૭૩

કુલ ઉમેદવારો ................................. ૧૦.૪૫ લાખ

અમદાવાદમાં ઉમેદવાર....................... ૧.૬૭ લાખ

પરીક્ષા શરૂ થઇ....................................... ૧૨થી બે

(9:41 pm IST)