ગુજરાત
News of Monday, 18th November 2019

દત્તોપંથ ઠેંગડી શાશ્વત ચિંતન દ્વારા અમર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

જન્મ શતાબ્દી વર્ષ કાર્યક્રમમાં સંબોધન કર્યું : ઠેંગડીજીના વિચાર ચિંતનને દેવવ્રતે માર્ગદર્શકરૂપ ગણાવ્યું

અમદાવાદ,તા.૧૭ : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડીજી જન્મ શતાબ્દી વર્ષ સમારોહના ગાંધીનગર ખાતે યોજાયેલા ઉદઘાટન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડીજી તેમના શાશ્વત ચિંતન દ્વારા આજે પણ અમર છે.  રાજ્યપાલશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, ''રાષ્ટ્રહિત સર્વોપરિ'' એમના ચિંતનનું હાર્દ હતું. આ પ્રસંગે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, લોકો પૂર્વજોએ કંડારેલા રસ્તા ઉપર ચાલીને જિંદગી વિતાવે છે. જ્યારે મહાપુરુષો પોતાના વિચાર-ચિંતન અને સિદ્ધાંતો દ્વારા નવો પથ કંડારે છે. એટલું જ નહીં, લોકોને તે પથ પર ચાલવા પ્રેરિત કરે છે. શ્રદ્ધેય દત્તોપંતજી આવા મહાપુરુષો પૈકીના એક હતા. તેમણે જણાવ્યું હતું કે, સ્વર્ગસ્થ દત્તોપંતજી કર્તવ્યનિષ્ઠા, કર્મઠતા અને સંગઠનશક્તિના ગુણોથી કાર્યકર્તાઓને પ્રેરિત કરતા. જેના કારણે જ તેમણે સ્થાપેલા ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને સ્વદેશી જાગરણ મંચ જેવાં સંગઠનો આજે પણ રાષ્ટ્રહિત માટે સતત પ્રવૃત્તિશીલ છે.

                     આ ચારેય સંગઠનોને વિચાર આંદોલન બનાવી વૈચારિક ચેતનાને જનમાનસ સુધી પહોંચાડીને શ્રદ્ધેય દત્તોપંતજી ખરા અર્થમાં સંગઠનકર્તા બની રહ્યા તેમ પણ રાજ્યપાલએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેશિયાએ  શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડીજીનાં જીવન સ્મરણોને દોહરાવીને તેમના ગહન વ્યક્તિત્વનો પરિચય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારત દેશે કુશળ સંગઠનોની હારમાળા સમાજને આપી છે, તેમાં સ્વર્ગસ્થ ઠેંગડીજી અગ્રીમ હરોળના સંગઠનકર્તા તરીકે પોતાનું જીવન ન્યોછાવર કરનાર બની રહ્યા. તેમણે સ્વર્ગસ્થ ઠેંગડીજીને જ્ઞાન, ભક્તિ અને કર્મના સંયોગ સમા ગણાવતા ઉમેર્યું હતુ કે, વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રના ઉત્કર્ષનું જ્ઞાન, રાષ્ટ્રની ભક્તિ અને ૮૪ વર્ષના આયુષ્યમાં ૬૦ વર્ષ સંગઠન કાર્યને સમર્પિત કરીને રાષ્ટ્રહિત સર્વોપરિતાના મંત્ર સાથે તેમણે પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

(9:49 am IST)