ગુજરાત
News of Sunday, 18th November 2018

શિવમ્, સોનારિયા યોજનાનો રિડેવલપમેન્ટનો પ્લાન તૈયાર

રૂ.૧૪૨.૨૮ કરોડના ટેન્ડર પ્રસિધ્ધ કરાયાઃ શિવમ્ આવાસ યોજનાના બે બ્લોક ધરાશાયી થયા બાદ અને સોનારિયા આવાસની જર્જરિત સ્થિતિ બાદ તૈયારીઓ

અમદાવાદ,તા. ૧૭ : થોડા સમય પહેલાં જ ઓઢવમાં ગરીબ આવાસ યોજના હેઠળ બંધાયેલા શિવમ આવાસ યોજનાના બે બ્લોક અચાનક ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા શહેરભરના મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સ, હેલ્થ ક્વાર્ટર્સ વગેરેનો સર્વ હાથ ધરાયો હતો, જેના આધારે અમ્યુકો સત્તાવાળાઓએ રિડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યા છે, જે અંતર્ગત પ્રાથમિક તબક્કે ઓઢવ અને રખિયાલના સોનારિયા બ્લોકનું નવેસરથી નિર્માણ કરવાના ચક્રો ગતિમાન કરાયાં છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની સૂચનાના આધારે કરાયેલા સર્વ હેઠળ સમગ્ર રિડેવલપમન્ટ પોલિસીમાં ઓઢવની શિવમ આવાસ યોજના તેમજ રખિયાલના સોનારિયા બ્લોકનો સમાવેશ કરાયો છે. શિવમ આવાસ યોજનાના બ્લોક નંબર ર૩ અને ર૪ ધરાશાયી થયાના થોડા દિવસમાં રખિયાલના સોનારિયા બ્લોકના ૧૮ નંબરના મકાનની છત તૂટી પડતાં બે વ્યક્તિ ઘાયલ થયા હતા. અમ્યુકો તંત્રના સર્વે મુજબ ઓઢવની શિવમ આવાસ યોજનાના તમામ ૮૪ બ્લોક અને સોનારિયા બ્લોકના ૭૬૦ મકાનનું રિડેવલપમેન્ટ પોલિસી-ર૦૧૬ હેઠળ નવેસરથી નિર્માણ કરાશે. અત્યારે આ બન્ને સ્થળે ત્રણ માળના બ્લોક છે, પરંતુ સત્તાવાળાઓની નવી પોલિસી હેઠળ સાત માળના બ્લોક બનાવાશે અને મૂળ લાભાર્થીને ૪૦ ટકા મોટું મકાન અપાશે. જાણકાર સૂત્રોના મતે, ઓઢવની શિવમ આવાસ યોજના માટે રૂ.૮૬.૬૯ કરોડના ટેન્ડર તેમજ રખિયાલની સોનારિયા બ્લોક માટે રૂ.પ૮.પ૯ કરોડના મળીને કુલ રૂ. ૧૪૨.૨૮ કરોડનાં ટેન્ડર પ્રસિદ્ધ કરાયા છે. આ ટેન્ડરીંગ પ્રક્રિયા હેઠળ લગભગ એક મહિનો ટેન્ડર સ્વીકારાશે ત્યારબાદ તેને વર્ક આઉટ કરાવ્યા બાદ જે તે કોન્ટ્રાક્ટરને અપાનારા વર્ક ઓર્ડર હેઠળ તેને બે વર્ષમાં તૈયાર કરાશે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા રિડેવલપમેન્ટ પોલિસી હેઠળ કુલ ર૦ ક્વાર્ટર્સના રિડેવલપમેન્ટ માટેની યાદી પ્રાથમિક તબક્કે તૈયાર થઇ હોઇ તે દિશામાં ક્વાયત આરંભાઇ છે. શિવમ આવાસ યોજના અને સોનારિયા બ્લોક સત્તાવાળાઓના રિડેવલપમેન્ટ બાદ ભવિષ્યમાં શહેરના અન્ય વિસ્તારમાં અતિ જર્જરિત અને જોખમી આવાસ યોજનાઓ મુદ્દે અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા આ પ્રકારની વિચારણા હાથ ધરાઈ શકે છે.

(10:08 pm IST)