ગુજરાત
News of Sunday, 18th October 2020

પ્રાથમિક શાળાઓ શરૂ થવા મુદ્દે શિક્ષણમંત્રીના મોટા સંકેત : દિવાળી પછી ધો 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થઇ શકે : ભુપેન્દ્ર સિંહ ચુડાસમા

ગાંધીનગર : રાજ્યમાં કોરોના મહામારીના ભરડો વધી રહ્યો છે. મોટા ભાગના કેસ રાજ્યના વિવિધ મહાનગરોમાંથી આવી રહ્યા છે જો કે, રિકવરી રેટ સારો હોવાથી ચિંતામાં ઘટાડો થયો છે. પરંતુ રાજ્યમાં હજી શૈક્ષણિક સંકુલો ફરી ધબકતા થયાં નથી ત્યારે આજરોજ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ શરૂ થવાના સંદર્ભમાં લઇને સંકેત આપ્યા હતા.

તાજેતરમાં શાળા સંચાલકોના યોજાયેલા એક વેબિનારમાં રાજ્યના શિક્ષણંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ પ્રાથમિક શાળાઓ દિવાળી બાદ પણ નહીં ખૂલે તેવા સંકેતો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, દિવાળી પછી ધો 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થઇ શકે છે.

તો આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, ગ્રામ્યમાં વિસ્તારમાં ધો 6 થી 8ના બાળકોને છૂટ આપવા વિચારણા ચાલી રહી છે. જેનો નિર્ણય આગામી સમયમાં લેવાશે. આ અંગે શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે નિવેદન આપ્યું હતું કે, પહેલા ચરણમાં 9 થી 12ની શાળાઓ શરૂ કરાશે અને પછી સ્થિતિ કાબુમાં રહેશે તો નાના વર્ગો ખોલવા ચર્ચા કરાશે.

રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 14,587 એક્ટિવ કેસ છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52,657 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,161 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,58,636 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 88.52 ટકા થયો છે.

(12:08 pm IST)