ગુજરાત
News of Friday, 18th October 2019

કાલથી ૬ મતક્ષેત્રોમાં જાહેર પ્રચાર બંધ

ખેરાલુ, અમરાઈવાડી, લુણાવાડા, રાધનપુર, બાયડ અને થરાદમાં સોમવારે મતદાન

રાજકોટ, તા. ૧૮ :. ગુજરાતમાં કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામાથી અને ભાજપના ૪ ધારાસભ્યો લોકસભામાં ચૂંટાવાથી ખાલી પડેલી ૬ બેઠકોની પેટાચૂંટણી તા. ૨૧મીએ સોમવારે યોજાનાર છે. ચૂંટણી પંચના નિયમ મુજબ આવતીકાલે શનિવારે સાંજે ૫ વાગ્યાથી જાહેર પ્રચારના પડઘમ શાંત થશે. ત્યાર બાદ ઉમેદવારો જુથ સંપર્ક અને વ્યકિતગત સંપર્ક તરફ ધ્યાન કેન્દ્રીત કરશે. તમામ ૬ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે.

જ્યાં પેટાચૂંટણી છે તે વિધાનસભા મત વિસ્તારોમાં મહેસાણાના ખેરાલુ, અમદાવાદના અમરાઈવાડી, પંચમહાલના લુણાવાડા, પાટણના રાધનપુર, સાબરકાંઠાના બાયડ અને બનાસકાંઠાના થરાદ મત વિસ્તારનો સમાવેશ થાય છે. તમામ ૬ બેઠકો પર પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે. સૌથી વધુ નજર રાધનપુર બેઠક પર છે, ત્યાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઈ ચૂંટણી લડી રહ્યા છે. મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ-કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે. આવતીકાલે પ્રચાર પડઘમ શાંત થતા પૂર્વે આજે છેલ્લી કલાકોનો જોરશોર પ્રચાર ચાલી રહ્યા છે. સોમવારે મતદાન થયા બાદ તા. ૨૪મીએ મત ગણતરી થશે.

(3:48 pm IST)