ગુજરાત
News of Friday, 18th October 2019

ધાનેરામાં ડેપ્થેરિયા રોગના કારણે પાંચ બાળકોના મોત

ગુજરાતના અન્ય ભાગોમાં પણ રોગના લક્ષણો : ધાનેરામાં પાંચ, ડિસામાં એકના મોતથી રાજ્યના આરોગ્ય અધિકારીઓ ચિંતાતુર બન્યા : ઉંડી તપાસની પ્રક્રિયા શરૂ

પાલનપુર, તા. ૧૭ :  ગુજરાતમાં ડેપ્થેરિયાના રોગથી છના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં છ મોત પૈકી ધાનેરામાં પાંચ અને ડિસામાં એકનું મોત થયું છે. બનાસકાંઠાના ડિસા તાલુકામાં એકના મોત તથા ધાનેરામાં પાંચના મૃત્યુથી ભારે ખળભળાટ મચી ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ ચિંતાતુર બનેલા છે. કારણ કે, ભોગ બનેલાઓની વય પાંચથી ૨૦ વર્ષની છે. બીજી બાજુ ઝડપી પગલા લેતી ટુકડી પણ બનાસકાંઠા જિલ્લામાં રસીકરણ ઝુંબેશ હાથ ધરવા માટે મોકલી દેવામાં આવી છે. આ ટીમે શકમંદ કેસોને ઓળખી કાઢવા તૈયારી પણ કરી છે. ઓગસ્ટ મહિના બાદથી જ જુદા જુદા જિલ્લાઓ અને નાના શહેરોમાં ડેપ્થેરિયાના કેસો સપાટી ઉપર આવ્યા છે. ડિસામાં ૧૦ વર્ષના બાળકનું મોત થયું છે. ગયા સપ્તાહમાં આ બાળકને સિટી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેને રજા આપી દેવાઈ હતી પરંતુ તેનું આવાસ પર મોત થયું હતું. રાજ્યમાં આ રોગ માટે જે વિસ્તારમાં એલર્ટની જાહેરાત કરાઈ છે તેમાં અમરેલી, બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, સુરત, વડોદરાનો સમાવેશ થાય છે. આ જગ્યાએ અગાઉ ૧૬થી ૨૨મી સપ્ટેમ્બર વચ્ચે અનેક કેસ સપાટી ઉપર આવ્યા હતા. ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનાના ગાળામાં છ કેસોને સમર્થન મળ્યું હતું. ડેપ્થેરિયા સામે રક્ષણ મેળવવા માટે પણ તબીબો કેટલીક સલાહ આપે છે. આ રોગ અસરગ્રસ્ત વ્યક્તિ મારફતે ફેલાય છે. સારવાર વગર દર્દી બે સપ્તાહ સુધી રોગના સકંજામાં રહે છે.

ધાનેરા વિસ્તારમાં શંકાસ્પદ ડેપ્થેરિયાના રોગથી પાંચ બાળકોના મોત નિપજ્યા છે ત્યારે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને ધાનેરા વિસ્તારમાં ૩૨ જેટલી ટીમ લગાવી કામગીરી હાથ ધરવામાં આવે છે.  ડેપ્થેરિયા નામના રોગથી ધાનેરા વિસ્તારના લોકો ભયભીત બન્યા છે ત્યાર ધાનેરા વિસ્તારમાં ડેરીયા નામના રોગે માથું ઉચક્યું છે. જેમાં ૨૭ બાળકો આ રોગના ભરડામાં સપડાયા છે. જેમાંથી પાંચ બાળકોના મોત નિપજ્યા છે અને૧૫ જેટલા બાળકો સારવાર હેઠળ છે. સાત બાળકોની તબિયતમાં સુધારો જણાતાં તેમને ઘરે મોકલવામાં આવ્યા છે.  ડેપ્થેરિયા નામના રોગે ધાનેરા વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે અને ધાનેરા વિસ્તારમાં ૩૨ જેટલી ટીમો બનાવી ગામમાં સર્વે હાથ ધરવામાં આવી છે. બાળકોને રસીકરણ કરવામાં આવી રહી છે. તે  ડેપ્થેરિયા નામનો રોગ જે બાળકોના ભોગ લઈ રહી છે તેને લઇ બાળકોના વાલીઓમાં પણ ભારે ભય  જોવા મળી રહ્યો છે ત્યારે આ રોગને તાત્કાલિક કાબુ મેળવવા માટે ગાંધીનગર આરોગ્ય ખાતાના અધિકારી બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારી અને ધાનેરા આરોગ્ય અધિકારી દ્વારા વિવિધ ટીમો બનાવી સરવે હાથ ધરવામાં આવી છે અને દરેક ગામોમાં જઈ બાળકોને રસીકરણ કરવામાં આવી રહી છે અને જે વિસ્તારમાં રોગ છે તે વિસ્તારના બાળકોને વિવિધ દવાઓ આપવામાં આવી રહી છે.

(9:36 pm IST)