ગુજરાત
News of Thursday, 18th October 2018

આજે વિજ્યાદશમી નિમિત્તે રાવણદહનના કાર્યક્રમો થશે

ઘણી જગ્યાએ ગુરુવારે રાવણદહન થયુંઃ ભાડજ ખાતે હરેકૃષ્ણ મંદિર ખાતે રાવણદહનનો કાર્યક્રમ રાજકોટમાં સૌથી ઉંચા રાવણના પૂતળાનું પણ દહન કરાશે

અમદાવાદ,તા.૧૮: દશેરા પર્વને લઇને આજે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેના ભાગરુપે ઘણી જગ્યાએ રાવણ દહનના કાર્યક્રમો આજે થયા હતા જ્યારે કેટલીક જગ્યાએ આવતીકાલે પણ રાવણ દહનના કાર્યક્રમ થશે જેમાં ભાજપ અને રાજકોટમાં રાવણદહનના કાર્યક્રમનો સમાવેશ થાય છે. હર્ષ અને ઉલ્લાસ સાથે વિજયના પ્રતીકરૃપે ઊજવાતો તહેવાર છે, જે વિશ્વને શિક્ષા આપે છે કે ખરાબ કામ કરનાર વ્યક્તિ ગમે તેટલી શક્તિશાળી હોય, પરંતુ અસત્યના માર્ગે ચાલનાર વ્યક્તિનું પતન થાય છે. આ દિવસનું મહત્ત્વ એટલા માટે પણ છે કે આ દિવસે પ્રારંભ કરવામાં આવેલા કાર્યમાં સિદ્ધિ-સફળતા-વિજય મળે છે. બીજીબાજુ, વિજયાદશમની પર્વને લઇ આવતીકાલે અમદાવાદ, રાજકોટ અને ભરૃચમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાઓનું દહન કરવામાં આવશે. અમદાવાદમાં ભાડજ ખાતે હરેકૃષ્ણ મંદિર પાસે રાવણના ૬૦ ફુટ ઉંચા વિશાળ પૂતળાનું દહન કરવામાં આવશે. રાવણના પૂતળાની સાથે સાથે કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું પણ દહન કરાશે. બીજીબાજુ, રાજયમાં સૌથી ઉંચા રાવણના પૂતળાનું દહન રાજકોટ ખાતે કરવામાં આવશે. રાવણની સાથે કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાના પણ દહન કાર્યક્રમ યોજાશે. વિશાળ અને સૌથી ઉઁચા રાવણના પૂતળાની બનાવટ માટે ખાસ ઉત્તરપ્રદેશથી કારીગરો બોલાવવામાં આવ્યા હતા. આ જ પ્રકારે ભરૃચમાં પણ આવતીકાલે રાવણના પૂતળાનું દહન કરાશે. બીજીબાજુ, આજે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભરુચ સહિતના સ્થળોએ પોલીસ તંત્ર દ્વારા ખાસ શસ્ત્રપૂજા કરવામાં આવી હતી તો, વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના રાજવી પરિવાર દ્વારા પણ શાસ્ત્રોકત વિધિ સાથે પુરાણા પ્રાચીન અને આધુનિક શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. આસો માસની દશમના દિવસે દશેરા આવે છે. આ તહેવાર નવ દિવસનાં માતા દુર્ગાની નવરાત્રિ પછી આવતો તહેવાર છે. ત્યાર પછી દિવાળી આવે છે. દશેરાના દિવસે રાવણદહન માટે તૈયારીઓે કરવામાં આવે છે. રાવણની દસ માથાવાળી પ્રતિકૃતિ ભવ્ય બનાવવામાં આવે છે. સાંજના સમયે આ રાવણનું દહન કરવામાં આવે છે. વિજયાદશમી એક ઉત્સવ કે તહેવાર જ નથી, પરંતુ કેટલીય સારી વાતોનું પ્રતીક છે. સત્ય, સાહસ, નિઃસ્વાર્થ સહાયતા, મિત્રતા, વીરતા અને સૌથી વધારે દંભ જેવાં અલગ અલગ તત્ત્વોનું પ્રતીક છે. અસત્ય પર સત્યનો વિજય થયો અને દરેક યુગ માટે તે એક પરંપરા બની ગઇ. તેથી દરકે વ્યકિત હંમેશાં કહે છે કે સત્યનો જ હંમેશાં વિજય થાય છે. અસત્ય કે ખરાબ વ્યકિતનો નાશ થાય છે. અભિમાન અને ખોટા દંભના કારણે ખરાબ રસ્તા પર જઇ રહેલ રાવણનો નાશ આજે પણ વિજયાદશમીના દિવસે કરવામાં આવે છે. દશેરાને વિજયાદશમીના નામે પણ ઓળખવામાં આવે છે. વિજયાદશમી ભગવાન શ્રીરામના વિજયના રૃપમાં અને દુર્ગામાતાની પૂજાના રૃપે આ શક્તિ પૂજા-આરાધનાનો ઉત્સવ કહેવાય છે. દશેરા હર્ષ અને ઉલ્લાસ સાથે વિજયના પ્રતીકરૃપે ઊજવતો તહેવાર છે. જે વિશ્વને એ શિક્ષા આપે છે કે ખરાબ કામ કરનાર વ્યકિત ગમે તેટલી શક્તિશાળી હોય, પરંતુ તેનું પતન થાય છે. પાપનો અંત નક્કી હોય છે. તે વધુ સમય સુધી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકતો નથી. દશેરાનો તહેવાર ઊજવીએ ત્યારે આ બોધપાઠ આપણને મળે છે. દશેરા ભારત અને અન્ય દેશોમાં પણ ધામધૂમથી ઊજવાય છે. ભારતમાં વિજયાદશમી પર્વ દેશનાં બધાં જ રાજ્યમાં ધામધૂમથી ઊજવાય છે. ભારતમાં દક્ષિણ ભારત, બંગાળ જેવાં રાજ્યના લોકો દશેરાની તૈયારીઓ કેટલાય દિવસ પૂર્વેથી કરતા હોય છે. દશેરાનો ઉત્સવ એટલે ભક્તિ અને શક્તિના સમન્વયનો ઉત્સવ.વીરતાનો વૈભવ-શૌર્યનો શૃંગાર એટલે દશેરા. અસત્ય પરના સત્યનો વિજય અને આસુરીશક્તિ પર દૈવીશક્તિની ભવ્ય જીત દશેરા તરીકે સદીઓથી ઊજવાતી આવી છે. સદ્ગુરુ સાંઈબાબાનું મહાપ્રયાણ દશેરાના દિવસે થયું. આ દિવસે તેમણે મહાસમાધિ લીધી હતી. દશેરાના દિવસે શ્રીરામની યાદમાં રાવણનું દહન કરવામાં આવે છે. શ્રીરામે અસત્ય પર સત્યનો વિજય કરી બતાવ્યો હતો. શ્રીરામ અને રાવણના યુદ્ધમાં છેલ્લો દિવસે રાવણનો વધ કરવામાં આવ્યો તે દશેરા તરીકે ઓળખાય છે. વિજયાદશમી એક વિજયગીત છે, એક જય ગાથા છે. એક સંઘર્ષનો વિરામ છે, અશુભનો અંત છે. હજારો વર્ષ પહેલાં આ ભૂમિ પર માનવ ઇતિહાસની અભૂતપૂર્વ અને અવિસ્મરણીય ઘટના બની હતી. તે અસત્યની સત્ય પર વિજયથી ગાથા બની ગઇ. રામ-રાવણ યુદ્ધ સત્ય અને અસત્ય, ધર્મ અને અધર્મ વચ્ચે એવો સંગ્રામ રચ્યો, જેનાથી સામાજિક સંદર્ભ પ્રભાવિત થયા. તેના અંતથી મૂલ્યને સ્થાપિત કરવામાં આવ્યાં. અન્યાય, અત્યાચાર, વિઘટન, અહંકાર સંસારમાં કલંકરૃપ છે. જ્યારે માણસ સ્વયંને સર્વશ્રેષ્ઠ ઘોષિત કરે છે ત્યારે રાવણ બનવા માટે પ્રેરિત થાય છે. શ્રીરામ અને રાવણના યુદ્ધમાં બંને પાસે શક્તિ હતી. રાવણ પાસે અહંકાર અને પ્રતિષ્ઠાની શક્તિ તો શ્રીરામ પાસે સત્યની શક્તિ હતી. અંતે તો સત્યનો જ વિજય થાય છે.

(10:16 pm IST)