ગુજરાત
News of Thursday, 18th October 2018

વરદાયિની માતાજીના જય ઘોષ વચ્ચે રૂપાલમાં શ્રદ્ધાળુ ઉમટ્યા

લાખો શ્રદ્ધાળુઓની હાજરીમાં વરદાયિની માતાજીની પલ્લી નિકળી : દર વર્ષની જેમ જ આ વખતે પણ ભવ્ય આયોજનમાં લાખો શ્રદ્ધાળુ જોડાયા, શેરીનું વાતાવરણ ગુલાલમય બન્યું : રૂટ પરની ગલીઓમાં શુદ્ધ ઘીની નદીઓ

અમદાવાદ, તા.૧૮ : ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે વરદાયિની માતાજીના મંદિરથી દર વર્ષની જેમ જ આ વર્ષે નવરાત્રિના છેલ્લા દિવસે અભૂતપૂર્વ ધાર્મિક માહોલ વચ્ચે આજે રાત્રે પલ્લી કાઢવામાં આવી હતી. રૂપાલમાં પાંડવો-શ્રીકૃષ્ણ ભગવાને શરૂ કરેલી માતાજીની પલ્લી પરંપરા આજે અકબંધ રહી છે. એવી માન્યતા છે કે, માતાજીએ પોતાના લોહીવાળા વસ્ત્રો અને શરીર શુદ્ધ કરવા માટે અહીં માનસરોવર પ્રગટ કર્યું હતું અને રાક્ષસોનો નાશ કરીને પોતાના લોહીવાળા વસ્ત્રો અહીં શુદ્ધ કર્યા હતા. ત્યારબાદથી અહીં જ વસવાટ કરી દીધો હતો. આજે પલ્લીના ભાગરુપે પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. છ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. લાખો ભક્તોના ધસારાને લઇને મંદિરના આસપાસના વિસ્તારમાં છથી વધુ સ્થળોએ ફ્રી  પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હતી. પાર્કિંગના સ્થળે જમીન માલિકોને વરદાયિની માતા ટ્રસ્ટ દ્વારા પૈસાની ચુકવણી કરવામાં આવનાર છે. ગયા વર્ષે માતાજીની પલ્લીમાં પાંચ લાખ ઘીનો અભિષેક કરાયો હતો. ૧૨ લાખથી વધુ શ્રદ્ધાળુ પલ્લી અને મંદિરના દર્શનનો લ્હાવો લેવા પહોંચ્યા હતા. નવરાત્રી પર્વના છેલ્લા દિવસે ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામ નજીક વરદાયીની માતાના મંદિરથી અભૂતપૂર્વક ધાર્મિક માહોલ વચ્ચે પલ્લી કાઢવામાં આવી હતી. પરંપરાગત રીતે નિકળેલી આ પલ્લીમાં શુદ્ધ ઘીનો અભિષેક કરાયો હતો. ગુરુવારે મોડી રાત્રે નિકળેલી આ પલ્લીમાં આ વખતે  પણ હજારો ભાવિક દ્વારા ધીનો અભિષેક કરવામાં આવ્યો હતો. શેરીઓ ગુલાલમય બની ગઈ હતી. કેટલાક લોકો તો ૧૫ કિલો ઘીના ડબ્બા પણ ટ્રોલી અને અન્ય ડબ્બાઓમાં ઠાલવતા નજરે પડ્યા હતા. અભૂતપૂર્વ ધાર્મિક માહોલ સર્જાયો હતો. શ્રદ્ધાની દેવી વરદાયીની માતાજીના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અભૂતપૂર્વ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચવાના કારણે પહેલાથી જ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા વહિવટી તંત્રને એલર્ટ કરી દેવાયું હતું.ગામની અંદર અને મંદિર આસપાસ પોલીસના જંગી કાફલો તહેનાત કરી દેવાયો હતો. રૂપાલમાં આખી રાત ઐતિહાસિક ધર્મોત્સવનું વાતાવરણ જામનાર છે અને લાખો  ભક્તોએ માતાજીને દૈદિપ્યમાન સ્વરૂપના દર્શન કરવાનો લ્હાવો મેળવ રહ્યા છે. ગાંધીનગર પાસે આવેલા સુપ્રસિધ્ધ રૂપાલ ગામમાં આજે બપોરથી માઈ ભક્તોના ટોળે ટોળા ઉમટી રહેલા જોવા મળ્યા હતાં. તેની સાથે ગામની ગલીઓમાં મુકાયેલી ટ્રેકટર ટ્રોલીઓ શુધ્ધ ધીથી ભરાતી નજરે પડતી હતી. તેમજ મંદિર પરિષરમાં મુકાયેલા પીપડામાં ભક્તો દ્વારા ધી ઠલવાઈ રહ્યું હતું. બાધા પુરી કરવા આવેલા ભક્તો દ્વારા ધી ખરીદવા માટે મંદિર આસપાસ શરૂ થયેલી દુકાનોમાં ભીડ થવા લાગી હતી. તેની સાથે મંદિર નજીક પોલીસ કાફલો બંદોબસ્તમાં તહેનાત થઈ રહ્યો હતો. ભક્તોનું ધોડાપુર ઉમટી પડવાની ધારણાને લક્ષમાં લઈ સાંજના ૫ વાગ્યા પછી મંદિર તરફ જતા રસ્તાને વાહનો માટે બંધ કરી દેવાયાં હતા. મંદિર સૂત્રોનાં કહેવા મુજબ આ વખતે  લાખો ભક્તોનો ઘસારો  રહ્યો હતોઅને માતાની પલ્લી ઉપર લાખોના શુધ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. ગાંધીનગરથી ૧૨ કિલોમીટરના અંતરે સ્થિત રૂપાલ ગામની ઓળખ પલ્લી તરીકે વધારે થાય છે. અહીં શુદ્ધ ઘીની નદીઓ નવરાત્રી દરમિયાન જોવા મળે છે.  નવરાત્રી દરમિયાન નોમના પલ્લીનું આયોજન કરાય છે. પૂજા અર્ચનામાં અનાજ, કઠોળ, ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. નોમના દિવસે પલ્લીની શરૂઆત સવારથી જ કરવામાં આવે છે અને માતાજીનો પંચબલી યજ્ઞ કરવામાં આવે છે. પલ્લીના કાર્યમાં ગામના લોકો જોડાઈને માતાજીની સેવાનો લ્હાવો લેતા હોય છે. પલ્લીને ફુલોથી શણગારવામાં આવે છે. રૂપાલમાં બિરાજતા વરદાયીની માતાજી પૌરાણિક મહત્વ પણ ધરાવે છે. ભારે ઉત્સાહ દેખાયો હતો.

 

બાધા અનુસાર શ્રદ્ધાળુ દ્વારા ઘીની ખરીદી થઈ

૧૫થી ૨૦ કિલો ઘીના ડબ્બા રહ્યા

        અમદાવાદ,તા. ૧૮ : ગાંધીનગરથી આશરે ૧૨ કિલોમીટરના અંતરે આવેલા રૂપાલ ગામમાં ભવ્ય પલ્લીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. પરંપરાગત રીતે નિકળેલી પલ્લીમાં ટ્રેકટર ટ્રોલી શુદ્ધ ઘીથી છલોછલ નજરે પડી હતી. શેરીઓ અને ઘરને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યા હતા.મંદિરની સામે અને મંદિર આસપાસમાં ઘી વેચનારા વેપારીઓ નાની મોટી દુકાનો અને હાટડીઓ ખોલીને બેસી  ગયા હતાં. પોતાની શક્તિ અને રાખેલી બાધા અનુસાર શ્રધ્ધાળુઓ ખરીદી કરતા નજરે પડ્યાં હતા. પોલીથીન કોથળીનાં અપાતુ ઘી લઈ લોકો ટ્રેકટરની ટ્રોલી અને પીપડામાં ઠાલવતા નજરે પડ્યાં હતા.

 

વરદાયીની માતા સાથે પૌરાણિક કથા પણ છે

શ્રીકૃષ્ણ-પાંડવોએ પલ્લી કાઢી હતી

         અમદાવાદ, તા. ૧૮ : રૂપાલમાં બિરાજતા વરદાયીની માતાજીનું પૌરાણિક મહત્વ પણ રહેલું છે. માતાજીની પલ્લી સાથે પ્રાચીન કથા જોડાયેલી છે, જે મુજબ દ્વાપર યુગમાં પાંડવ જ્યારે જુગારમાં હારી ગયા હતા ત્યારે ૧૨ વર્ષના વનવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન પાંડવોએ વરદાયીની માતાજીની પૂજા-અર્ચના કરી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા. માતાજીના આશીર્વાદથી જ પાંડવો મહાભારતના યુદ્ધમાં વિજય થયા હતા. વિજય મેળવ્યા બાદ પાંડવોએ સુદ નોમના દિવસે પાંડવો, કૃષ્ણ, દ્રોપદી અને સેના સાથે વરદાયીની માતાના મંદિરમાં આવ્યા હતા. અહીં સોનાની પલ્લી બનાવીને ગામમાં પલ્લી યાત્રા કાઢી હતી. તે સમયથી જ પલ્લીનો સિલસિલો શરૂ થયો હતો. રૂપાલમાં રાત્રિ ગાળાનો માહોલ જોઈને પલ્લીની ભવ્યતાનો ખ્યાલ આવી જાય છે. ભક્તોનો મહેરામણ બુધવાર બપોરથી જ જોવા મળ્યો હતો.

(8:33 pm IST)