ગુજરાત
News of Thursday, 18th October 2018

દશેરા પર્વ પર લોકોએ ફાફડા અને જલેબીની જયાફત માણી

વાહનોની પણ ખરીદી-પૂજા કરવામાં આવી : અમદાવાદમાં કરોડોના ફાફડા-જલેબીનું વેચાણ : જુદી જુદી જગ્યાએ સ્ટોલ પર લોકોની ભીડ : વેપારીઓ વ્યસ્ત

અમદાવાદ, તા.૧૮ : રાજ્યભરમાં વિજ્યાદશમી પર્વના દિવસે ફાફડા જબેલીની ધૂમ રહી હતી. છેલ્લા ઘણા દિવસથી ફાફડા જબેલી બનાવવામાં લાગેલા હતા. કિંમતો વધી હોવા છતાં અમદાવાદ અને ગુજરાતમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબીની મજા લોકોએ માણી હતી. આ વખતે દશેરા પર્વની શુભ ઘડી ગુરુવારે બપોરથી શરૂ થઇને શુક્રવારે સાંજ સુધી હોવાથી આવતીકાલે પણ ફાફડા જલેબીની ધૂમ રહેશે. છેલ્લા બે દિવસથી ફાફડા-જલેબી બનાવવાના કામમાં કારીગરો લાગેલા હતા. આજે  સવારથી ફાફડા જલેબી ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા હતા. લોકપ્રિયતા ધરાવનાર સ્થળો ઉપર વધુ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અંદાજ મુજબ અમદાવાદીઓ દશેરાની ઉજવણીમાં કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી ગયા હતા. ફાફડા જલેબી બનાવવા માટે ઉપયોગ કરાતા ચીજવસ્તુઓની કિંમતમાં  નોંધપાત્ર વધારો થયો હોવા છતાં તેની કોઇ અસર અમદાવાદીઓ ઉપર નહીવત દેખાઈ રહી નથી. અમદાવાદીઓના રસને ધ્યાનમાં લઇને છેલ્લા કેટલાક દિવસથી ફાફડા અને જલેબી બનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. શહેરભરના મુખ્ય જાહેરમાર્ગ ઉપર મંડપ બાંધીને ફાફડા અને જલેબીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.  આજે શાસ્ત્રોપૂજા પણ કરવામાં આવી હતી. દશેરાના તહેવાર નિમિત્તે શહેરીજનો નવા વાહનોની ખરીદી પણ કરે છે, જેથી કાર અને વાહન ડિલરો દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. દશેરાના દિવસે દિવસ દરમિયાન વાહનોની ડિલીવરી કરવામાં આવી હતી. શહેરમાં નવા વાહનોની ખરીદી સાથે શહેરીજનો જુના વાહનોની પૂજા પણ કરવામાં આવી હતી. વિજ્યાદશમી એટલે અસત્ય ઉપર સત્યની જીત તરીકે છે. આ દિવસે રાવણ દહન કરવામાં આવે છે અને લોકો જોરદાર ઉજવણી કરે છે. આ દિવસને દશેરા તરીકે પણ ઉજવવામાં આવે છે. દશેરાના પર્વ ઉપર મોટાપાયે ખરીદી પણ કરવામાં આવે છે. ખુબ જ શુભ પ્રસંગ હોવાથી વાહનોની ખરીદી અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી પણ કરવામાં આવે છે જેને લઇને તમામ મોટા સ્ટોલ તૈયારી કરી ચુક્યા છે. જ્વેલરી બજાર, વાહન બજારમાં પહેલાથી જ જોરદાર આયોજન છે.

(8:29 pm IST)