ગુજરાત
News of Thursday, 18th October 2018

ફાફડા-જલેબીના વેચાણમાં ૨૦ ટકા સુધી થયેલ ઘટાડો

પાર્કિંગ અને મોંઘવારી સહિતના કારણો જવાબદાર : ગુરુવાર બપોરથી શુક્રવારે સાંજ સુધી દશેરા તિથિ હોવાથી બે દિવસ ફાફડા જલેબીની ધૂમ રહેશે : મોંઘવારીની માર

અમદાવાદ,તા.૧૮ : દશેરાના પર્વ નિમિત્તે ખવાતાં ફાફડા-જલેબી અને ચોળાફળીનું વેચાણ ગત વર્ષની સરખામણીએ ર૦થી ૨૫ ટકા જેટલું ઓછું નોંધાયું છે તેનું મુખ્ય કારણ પાર્કિંગ અને મોંઘવારી બન્ને માનવામાં આવી રહ્યું છે. દશેરા પૂર્વે ઠેર ઠેર રસ્તા ઉપર ઊભા થઈ જતા ફાફડા-જલેબીના ઘણા પંડાલ ટ્રાફિક અને મ્યુનિસિપલ તંત્રની કડકાઇથી ગાયબ દેખાતા હતા. જો કે, મોંઘવારી માર છતાં અમદાવાદીઓ મન ભરીને ફાફડા-જલેબીની જયાફત ઉડાવી હતી. શહેરના વિવિધ વિસ્તારમાં રસ્તા પર ઊભા રહીને વાહનો ગમે ત્યાં આડેધડ પાર્ક કરીને ગરમાગરમ જલેબી અને ફાફડાની જ્યાફત માણતા લોકોને ટ્રાફિફ વિભાગની રોક લાગતાં આ વખતે લોકોએ ઘેરબેઠા ઓનલાઇન ઓર્ડર આપવાનું પણ શરૂ કર્યું છે. આજે શહેરભરમાં વિજયાદશમીની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદીઓ માટે ફાફડા-જલેબી વિના વિજયાદશમીના પર્વની ઉજવણી અધૂરી જ ગણવામાં આવે છે. એક અંદાજ હતો કે અમદાવાદીઓ ગઈકાલ રાતથી આજના દિવસ દરમિયાન અંદાજે રૂ. ૧૭ કરોડથી વધુના ફાફડા-જલેબી ઝાપટી જશે, પરંતુ ઊલટાનું ગત વર્ષ કરતાં પણ વેચાણ ઘટી રહ્યું છે. દશેરાના દિવસે બે કલાક લાઇનમાં ઊભા રહીને ૫૦૦ ગ્રામ ફાફડા-જલેબી ખરીદનારા હવે ઓનલાઇન ઓર્ડર તરફ વળ્યા છે. આ વર્ષે ફાફડા-જલેબીમાં ૧૦ થી ૧૫ ટકાનો ભાવવધારો જોવા મળ્યો છે. તેથી પણ વેચાણ ઘટ્યું છે. ચાલુ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં ૧૦ થી ૧પ ટકા જેટલો વધારો નોંધાયો હોવા છતાં ગ્રાહકો પોતાની શક્તિ મુજબ ફાફડા-જલેબીની ખરીદી કરી રહ્યા છે અને માગમાં ઝાઝો ફેર નહીં પડે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા હતા, જે ખોટી પડી છે. ફરસાણના એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું હતું કે ફરસાણમાં ૧૨ ટકા જીએસટી લાગતાં તથા વિવિધ મજૂરીના ભાવમાં વધારો થતાં તથા માલ બનાવવા માટે વપરાતા રોમટીરિયલ તથા ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થતાં ભાવ વધારવાની ફરજ પડી છે. બીજી તરફ ર્પાકિંગ પણ આ મુદ્દે કારણભૂત બન્યું છે. લોકો વાહન ટો થવાની બીકે રસ્તા પર ગમે ત્યાં વાહન મૂકીને ફાફડા-જલેબી આરોગવાનું ટાળી રહ્યા છે. મુખ્યત્વે ફરસાણમાં ઝીરો ટકા ટેક્સ હતો, જે વધીને ૧૨ ટકા જેટલો થઈ જતાં ફરસાણ મોંઘું થયું છે. સાથે-સાથે ડીઝલ અને મજૂરીના ભાવ વધતાં આ ભાવવધારો નોંધાયો છે. મીઠાઈની દુકાનોમાં ફાફડા-જલેબીની સાથે-સાથે બુંદી, શીરો, પેંડા જેવી મીઠાઈઓ અનેફરસાણની માગમાં પણ ઘટાડોથયો છે. જો કે, લોકોએ તહેવારની મોજ અને ફાફડા-જલેબીની જયાફત મોંઘવારીના માર વચ્ચે એટલા જ ઉત્સાહથી માણી હતી.

(8:29 pm IST)