ગુજરાત
News of Thursday, 18th October 2018

બીલીમોરામાં જૂની અદાવતમાં 11 શખ્સોએ યુવાન પર જીવલેણ હુમલો કર્યો

બીલીમોરા:નાં ગૌહરબાગ ખાતે મંગળવારે રાત્રે જુના ઝઘડાની અદાવતમાં એક યુવાન ઉપર ૧૧ હુમલાખોરોએ તલવાર-ચપ્પુ-પાઈપ જેવા ઘાતક હથિયારો સાથે હિંસક હુમલો કરતા ચકચાર મચી છે. ઈજાગ્રસ્ત આંતલીયાનાં યુવાન પર માથામાં ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આંતલીયા ગામે ભાણા બાપાના મંદિર સામે રમણ ઝીણાની ચાલમાં રહેતા મનોજ ઉર્ફે પદો શિવાજીભાઈ પાટીલ (ઉ.વ.૨૭) આઈ.ટી.આઈ. પાસે ઉભો હતો. ત્યારે તેને બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ આવીને કહ્યું કે તમારા ભાઈને એસ.કલેકશન પાસે ગૌહરબાગમાં તીસરી ગલ્લી વાળાઓએ ઘેરી લીધો છે. આ સાંભળીને મનોજ ઘટના સ્થળ પર ધસી ગયો હતો. પરંતુ ત્યાં કોઈ જ નહીં દેખાતા તે પરત ઘર તરફ જવા બાઈક પર બેસીને નીકળતા ૧૦થી ૧૨ જણાં અચાનક સામે ધસી આવ્યા હતા. અને તેને ફરતેથી ઘેરી લીધો હતો. 

(5:46 pm IST)