ગુજરાત
News of Thursday, 18th October 2018

બેંક ઓફ બરોડા દ્વારા કિસાન દિવસ અને બરોડા કિસાન પખવાડાની ઉજવણી

અમદાવાદઃ વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી પ્રસંગે બેંક ઓફ બરોડાએ બરોડા કિસાન દિવસનું આયોજન કરવાનું નક્કી કરેલ છે અને તેના ભાગ રૂપે બરોડા કિસાન પખવાડા અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને પ્રવૃતિઓનું આયોજન થયેલ છે. આ પખવાડીયાની ઉજવણીનો મુખ્ય હેતુ કિસાન મિત્રોનો ઉત્સાહ વધારવાનો છે અને તેમને બેંક દ્વારા અપાતી વિવિધ યોજનાઓ અને નાણાકીય સહાય વિષે માહીતગાર કરવાનો છે. અમદાવાદ ઝોનની બધી જ ગ્રામીણ તેમજ અર્ધશહેરી શાખાઓ ઓછામાં ઓછી ત્રણ ગ્રામ સભાઓ-રાત્રી ચૌપાલનું આયોજન કરશે.

બેંક ઓફ બરોડાના અમદાવાદ ઝોનના ઝોનલ હોડ તથા જનરલ મેનેજર કે.વી.તુલસી બાગવાલેએ પત્રકારોને સંબોધતા કહયું કે મહેસાણા ક્ષેત્રના પાલનપુર શહેરમાં અમારી બેંકના એમડી અને સીઇઓ શ્રી પી.એસ.જયકુમારની ઉપસ્થિતિમાં ૧૭ ઓકટોબરના દિવસે એક મેગા કિસાન મેળાનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે અમે બેંકની વિવિધ યોજનાઓ, સેલ્ફ હેલ્થ ગૃપ અને અમારા ગ્રાહકોના ઉત્પાદનોનું એક પ્રદર્શન યોજવામાં આવશે અમે તે દિવસે રૂ. ૪૦૦ કરોડની લોન વિતરણનો લક્ષ્ય રાખેલ છે.

અમદાવાદ ઝોનના સાતેય રીજીયન જે અમદાવાદ, આણંદ, ભુજ, ગાંધીનગર, જામનગર, મહેસાણા અને રાજકોટ પણ પાંચ કિસાન મેળાનું આયોજન લોનના વિતરણ માટે શાખાઓના સમુહમાં આયોજન કરશે. અમારા આણંદ અને ખેડા જિલ્લાના એલડીએમ પણ જિલ્લા કક્ષાએ કિસાનો અને સામાન્ય નાગરીકો માટે નાણાકીય સાક્ષરતા માટે કિસાન મેળાનું આયોજન કરશે. આ પ્રસંગે બધા જ ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ, જિલ્લા વિકાસ અધિકારીઓ, નાબાર્ડ અને બીજા જિલ્લા કક્ષાના અધિકારીઓને પણ આ મેગા ઇવેન્ટસમાં આમંત્રીત કરવામાં આવ્યા છે. કિસાન મિત્રોને જોડવા તેમજ પુરસ્કૃત કરવા તેમજ કિસાનો દ્વારા અપનાવવામાં આવેલ ટેકનોલોજીને બિરદાવવા લોનના વિતરણ દ્વારા ક્રેડીટ જોડાણોને બિરદાવવા, નાણાકીય સાક્ષરતા, ધિરાણ મેળાનું આયોજન કરવામાં આવશે.

(3:54 pm IST)