ગુજરાત
News of Saturday, 18th September 2021

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું- બધા માટે નો રીપીટ થિયરી આવશે પણ મારા માટે નહીં આવે

હું 6 વખત ચૂંટણી જીત્યો છું, સાતમી વખત પણ ચૂંટણી લડીને જીતીશ એમાં શંકાને સ્થાન નથી:હું જીતવાનો લડવાનો નક્કી નક્કી નક્કીઃ મધુ શ્રીવાસ્તવ

વડોદરા :  ગુજરાતના મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાઓને લાવીને મોદીએ સૌ-કોઇને ચોંકાવી દીધા છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપમાં નો રીપીટ થિયરી અંગે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે, ત્યારે આ અંગે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિવાદિત નિવેદન આપ્યું છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, બધા માટે નો રીપીટ થિયરી આવશે પણ મારા માટે નહીં આવે, હું 6 વખત ચૂંટણી જીત્યો છું, સાતમી વખત પણ ચૂંટણી લડીને જીતીશ એમાં શંકાને સ્થાન નથી.

   વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ભાજપે જે નો રીપીટ થિયરી આપનાવી છે, જેના માટે હું વડાપ્રધાન  મોદીને ખુબ ખુબ અભિનંદન પાઠવુ છું અને આજે મોદીના જન્મદિવસે તેઓ વર્ષો સુધી જીવતા રહે તેવી શુભકામના પાઠવુ છું. ચૂંટણી 6 વખત જીત્યો છુ અને સાતમી વખત પણ લડવાનો અને જીતવાનો એમાં શંકાને સ્થાન નથી. હું જીતવાનો લડવાનો નક્કી નક્કી નક્કી.

ભાજપમાં રહીને ચૂંટણી લડીશ. મારૂ બેનર પણ છે અને ભાજપનું પણ છે, બંને મળીને લડવાના છીએ. હું વાઘોડિયાથી જ લડવાનો છું અને 101 ટકા લડીને જીતવાનો છું. ભાજપને સપોર્ટ કરું છું, ભાજપમાં છું અને રહેવાનો છું. મને ટિકિટ આપવાના છે અને જીતવાનો છું, તે નક્કી છે. હું હજી 27થી 28 વર્ષનો જ લાગુ છે, મારી ઉંમર વધારે થઇ નથી. એટલે હજી પણ લડી શકુ છું અને હજી પણ હું જવાન જ છું. બધા માટે નો રીપીટ થિયરી આવશે પણ મારા માટે નો રિપીટ થિયરી નહીં આવે. આ વખતે હું 25થી 30 હજાર વોટથી ચૂંટણી જીતીશ.

(1:08 pm IST)