ગુજરાત
News of Saturday, 18th September 2021

અમદાવાદમાં વિદેશી નાગરીકો સાથે છેતરપિંડી કરતા બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ: ત્રણ આરોપીની ધરપકડ

આરોપી અમેરિકન નાગરીકોને સ્કોર ડાઉન કરી નવી લોન નહી મળે તથા નવી લોન લેશો તો 700 પોઈન્ટ વધારવાના બહાને રૂપિયા પડાવતા

અમદાવાદ : લોન આપવા અને ભરવા માટે ધમકાવી અમેરિકન નાગરીકો સાથે છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું છે. આરોપી અમેરિકન નાગરીકોને સ્કોર ડાઉન કરી નવી લોન નહી મળે તથા નવી લોન લેશો તો 700 પોઈન્ટ વધારવાના બહાને રૂપિયા પડાવતા હતા. છેલ્લા 4 મહિનાથી ચાલતા આ કોલસેન્ટરના અન્ય આરોપી અંગે સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમની કસ્ટડીમાં રહેલા આ આરોપીના નામ શુભમ ઘટાડ તેનો ભાઈ મયુર ઘટાડ અને યશ ઉપાધ્યાય છે. આરોપીઓ વેજલપુર પાસે આવેલા SBI ક્વાટર્સના મકાનમાં રહીને કોલસેન્ટર ચલાવતા હતા. જે અંગે માહીતી મળતા સાયબર ક્રાઈમે રેડ કરી અને તમામ આરોપીની ધરપકડ કરી છે. જોકે આ ગુનામાં અન્ય ફરાર 2 આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપી પાસેથી સાયબર ક્રાઈમે 6 મોબાઈલ, 1 લેપટોપ, સહિત 35 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આરોપીની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો, આરોપી અમેરીકન નાગરિકોને કેશનેટ યુએસએ નામની કંપનીના નામે ફોન કરી લોન આપવા તથા અગાઉની બાકી લોન બાબતે રૂપિયા એનકેન પ્રકારે બનાવટી દસ્તાવેજો મોકલી ડરાવી ધમકાવી રૂપિયા પડાવતા હતા. જે અંગે સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપીના બેંક અકાઉન્ટના આધારે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે. તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 મહિનાથી ચાલતા આ કોલસેન્ટર મામલે ગુનો નોંધાયો. આરોપી પકડાયા. પરંતુ આરોપી લીડ ક્યાંથી મેળવતા. રૂપિયા ટ્રાન્સફર કરનાર પ્રોસેસર કોણ છે તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં શું ખુલાસો થાય છે તે જોવું મહત્વનું છે.

(12:30 pm IST)