વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી ચેઇન સ્નેચીંગના ગુનાહનો આરોપી જવાનોને ચકમો દઈ ફરાર થઇ જતા ચકચાર
વડોદરા:શહેરના પાણીગેટ પોલીસે બે દિવસ પૂર્વે ચેઇન સ્નેચીંગના ગુનામાં ધરપકડ કરેલ આરોપી પોલીસ મથકના જવાનોને ચકમો આપી પોલીસ મથકમાંથી ફરાર થઇ ગયો હતો. મોડી સાંજે પોલીસ મથકમાંથી ફરાર થઇ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે દોડધામ કરી મુકી છે. જોકે, પોલીસને આજે બપોર સુધી ફરાર થઇ ગયેલા આરોપીના કોઇ સગડ મળ્યા ન હતા.
ગત સપ્તાહ દરમિયાન વાઘોડિયા રોડ સુલેમાની ચાલ પાસેથી પસાર થતી એક મહિલાના ગળામાંથી બાઇક સવાર બે લૂંટારૂ સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયા હતા. આ બનાવની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકમાં નોંધાઇ હતી. જોકે, ક્રાઇમ બ્રાંચની ટીમે સી.સી. ટી.વી. ફૂટેજના આધારે લૂંટારૂઓએ વાપરેલી બાઇકના નંબરના આધારે મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા આરોપી અજય રતીલાલ વસાવા (રહે. બાવચા વાડ, પાણીગેટ) અને સુનિલ કસ્તુર વાઘેલા (દેવીપુજક) રહે. બાવચા વાડ, પાણીગેટ)ની તા.16 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી. અને બંનેને પાણીગેટ પોલીસ મથકના હવાલે કરી દીધા હતા. ક્રાઇમ બ્રાંચે આરોપીઓ પાસેથી લૂંટ કરેલી સોનાની ચેઇન અને ગુનામાં વાપરેલ બાઇક પણ કબજે કરી હતી.