ગુજરાત
News of Wednesday, 18th September 2019

ઠાસરા તાલુકાના ખડગોધરામાં પત્નીએ દહેજ લાવવાની ના કહેતા નરાધમ પતિ પ્રેમિકા સાથે રફુચક્કર થઇ જતા અરેરાટી

ઠાસરા:તાલુકાના ખડગોધરા ગામમાં રહેતાં ગોવિંદભાઈ કાળાભાઈ સેનવાની પુત્રી રમીલાબેનના લગ્ન આજથી અઢી વર્ષ અગાઉ ગળતેશ્વર તાલુકાના મીઠાના મુવાડા ગામમાં રહેતાં વિનુભાઈ પ્રભાતભાઈ સિંધવાના પુત્ર જયંતિભાઈ સાથે જ્ઞાતિના રિતરિવાજ મુજબ થયાં હતાં. જે બાદ રમીલા મીઠાના મુવાડા ખાતે તેની સાસરીમાં પતિ તેમજ સાસુ-સસરાં સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. નવપરિણીત દંપતીનું શરૂઆતનું લગ્નજીવન સુખમય પસાર થયું હતું. જો કે દોઢેક વર્ષ બાદ એટલે કે આજથી એકાદ વર્ષ અગાઉ રમીલાબેનના પતિ જયંતિભાઈને ગામમાં જ રહેતી ઉર્વશીબેન ગણપતભાઈ સેનવા સાથે પ્રેમસબંધ બંધાયો હતો. આ આડા સબંધ અંગેની જાણ રમીલાબેનને થતાં તેઓએ પતિ જયંતિભાઈને ટકોર કરી હતી. જો કે પ્રેમ સબંધમાં પત્ની વચ્ચે નડતી હોય પતિ જયંતિભાઈ અવનવા બહાના કાઢી તેમની પત્ની રમીલાબેન સાથે બોલાચાલી તેમજ ઝઘડો કરવા લાગ્યો હતો. આ ઉપરાંત તુ અહીંથી જતી રહે, મારે તારી સાથે નથી રહેવું, જો તારે મારી સાથે રહેવુ હોય તો તારા બાપના ઘરેથી એક લાખ રૂપિયા લઈ આવ તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતુ. જો કે રમીલા તેના પિયરમાંથી રૂપિયા લાવતી ન હોવાથી ઉશ્કેરાયેલા જયંતિભાઈએ છૂટાછેડા પણ માંગ્યાં હતાં. બીજી બાજુ જયંતિભાઈને તેની પ્રેમીકા ઉર્વશી સાથે લગ્ન કરી તેને ઘરે લાવવાની ઈચ્છા હતી. જો કે રમીલા છૂટાછેડા આપતી ન હતી. જેથી જયંતિભાઈ ઘરના કામકાજ બાબતે વાંક કાઢી રમીલા સાથે ઝઘડો કરી, ગમેતેમ ગાળો બોલી તેમજ મારઝુડ કરી શારિરીક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. રમીલાબેનના સાસુ ગંગાબેન વિનુભાઈ સિંધવા, સસરાં વિનુભાઈ પ્રભાતભાઈ સિંધવા, કાકી સાસુ મધુબેન બાબુભાઈ સિંધવા તેમજ દાદા સસરાં સુખાભાઈ મથુરભાઈ સિંધવા પણ જયંતિભાઈને સાથ આપી ચઢામણી કરતાં હતા અને રમીલાને વધુ મારજે તેમ કહેતાં હતાં. જો કે ઘરસંસાર ના ભાગે તે માટે રમીલાબેન સાસરીયાઓ દ્વારા આપવામાં આવતો ત્રાસ મુંગા મોઢે સહન કરતી હતી.

(5:41 pm IST)