ગુજરાત
News of Wednesday, 18th July 2018

દમણથી દારૂની હેરાફેરી કરતા ચાર ઈસમોને પોલીસે સારોલી નજીકથી ઝડપ્યા

દમણ:થી યુવાનો પોતાના શરીરે દારૃની બોટલે બાંધી ચેકપોસ્ટ પસાર કરી પોલીસને ચકમો આપી શહેરમાં પ્રવેશી સારોલી પાસે પેટ્રોલપંપ ઉપર દારૃ કારમાં ગોઠવતા હતા ત્યારે જ પીસીબીની ટીમે છાપો મારી ચાર યુવાન અને દારૃ લેવા કાર લઇને આવેલા બે યુવાનને ઝડપી લીધા હતા. તેમની પાસેથી દારૃની ૬૦૯ બોટલ મળી હતી.
આજે વહેલી સવારે પીસીબીના પીએસઆઇ એમ.સી. ચૌહાણ અને સ્ટાફના માણસોએ પૂણા કુંભારીયા રોડ સારોલી એચપી પેટ્રોલપંપ ઉપર પર કાર (નં. જીજે-૦૫-જેડી- ૪૧૫૧)માં દારૃનો સગેવગે કરતી વેળા છાપો મારી કાર તેમજ પેટ્રોલપંપના અંદરના ભાગે ઇલેકટ્રીક રૃમમાંથી રૃ. ૩૪,૯૦૦ની કિંમતની દારૃની નાની-મોટી ૬૦૯ બોટલ શોધી કબજે કરી હતી તેમજ દારૃ લાવનાર ચાર યુવાન અને લેવા આવનાર બે યુવાનને બે મોબાઇલ અને કાર મળી રૃ. ૨.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
તમામની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બુટલેગરો- ખેપીયાઓ સામે પોલીસે ભીંસ વધારતા સુરતમાં દારૃ ઘૂસાડવા તેમણે નવી તરકીબ અજમાવી હતી. મુકેશ, ચંદનસીંગ, અરવિંદ અને યોગેશ દમણથી શરીરે દારૃની બોટલ બાંધી ઇકો કારમાં પલસાણા કે કડોદરા ઉતરતા અને કોઇપણ રીતે ચેકપોસ્ટ ઉપર પોલીસ ચેકીંગ પસાર કરી પેટ્રોલપંપ ઉપર ભેગા થતા વિશાળ પેટ્રોલપંપ ઉપર તેના માલિક કે કર્મચારીઓની જાણ બહાર એક ખૂણામાં ભેગા થઇ તેઓ શરીર ઉપરથી દારૃની બોટલો બહાર કાઢી ભેગી કરતા અને કાર લઇ આવેલા મોહન અને રાજેશકુમારને સોંપતા તેઓ ડીલીવરી કરતા હતા. પીસીબીએ તમામનો કબ્જો પૂણા પોલીસને સોંપ્યો છે.

(4:54 pm IST)