આણંદ નજીક જીઆઈડીસીમાં ફેકટરીનું પતરું તોડી 15 હજારની મતા ચોરી તસ્કરો છૂમંતર
આણંદ: નજીક આવેલી જીઆઈડીસીની એક ફેક્ટરીમાંથી તસ્કરો ૧૫૬૦૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ઘરી છે જેને જોતાં તસ્કરો ટુંકમાં જ પકડાઈ જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
બાકરોલ ખાતે રહેતા ફરિયાદી નીશાંત મુકુટલાલ ગુપ્તાની જીઆઈડીસીમાં એક્સ પ્રોટેક્ટા નામની કંપની આવેલી છે જેમાં ગત ૧૪મી તારીખના રોજ કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા ફેક્ટરીની પાછળ આવેલી દિવાલ પરથી પતરાં પર ચઢીને સીમેન્ટનું પતરું તોડી અંદર ઘુસ્યા હતા. ત્યારબાદ એલ્યુમીનીયમ પેટન્ટના બીબા (પ્લેટો) ૮૦ કિલો કે જેની કિંમત ૯૬૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે તથા ટેબલના ડ્રોઅરમાંથી બે મોબાઈલ ફોન મળીને કુલ ૧૫૬૦૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ફેક્ટરીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો ચોરી કરતા કેદ થઈ જવા પામ્યા છે જેને લઈને પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ઘરી છે.