ગુજરાત
News of Wednesday, 18th July 2018

રાજ્યની સ્કૂલો ઇત્તર પ્રવૃત્તિની ફી નહીં લઇ શકે

શાળાઓ માટે ટ્રાન્સપોર્ટેશન, સ્વીમીંગ, સ્ટેશનરી સહિત ૧૦ પ્રવૃત્તિઓ વૈકલ્પિક જાહેર

અમદાવાદ તા. ૧૮ : સુપ્રીમ કોર્ટ દ્વારા ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી વૈકલ્પિક પ્રવૃતિઓ માટેની ફી ફરજીયાત રીતે ઉઘરાવી નહીં શકે તેવો વચગાળાનો ચૂકાદો આપ્યા બાદ રાજય સરકારે મંગળવારે જાહેરનામુ બહાર પાડીને શાળાઓએ કઇ બાબતો-પ્રવૃતિને વૈકલ્પિક ગણવી તેની યાદી જાહેર કરી છે. જેમાં સ્વીમીંગ, ઘોડાસવારી, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટેશનરી સહિત કુલ ૧૦ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેની ફી હવે ફરજીયાત રીતે વાલીઓ પાસેથી ઉઘરાવી શકાશે નહીં. તે સાથે જે શાળાઓ સરકાર સામે સુપ્રીમમાં ગઇ હતી અને ફી કમિટી સમક્ષ દરખાસ્ત કરી ન હતી તેમણે વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ના બે વર્ષ માટેની ફી ની દરખાસ્તો અને હિસાબો ૩૧ જુલાઇ સુધીમાં ફી નિર્ધારણ કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે તેમ પણ સ્પષ્ટ રીતે જણાવ્યું છે.

રાજય સરકારે સેલ્ફ ફાયનાન્સ શાળાઓને કઇ બાબતોને વૈકલ્પિક કે ઇત્ત્।ર પ્રવૃતિમાં ગણવી તેની એક સપ્તાહમાં પીટીશનર શાળાઓને જાણ કરવાની હતી. તે અંગેનું જાહેરનામુ બહાર પાડીને સરકારે આ બાબતોની યાદી જાહેર કરી છે. જાહેરનામામાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે ફી નિર્ધારણ કાયદાને ૧૧ જુલાઇએ આપેલા ચૂકાદામાં વાજબી ગણાવીને વૈકલ્પિક પ્રવૃતિ જાહેર કરવા જણાવ્યું હતું. જેના અનુસંધાને ૧૭ જુલાઇએ વૈકલ્પિક પ્રવૃતિઓ જાહેર કરી છે.

આ જાહેરનામામાં અન્ય બાબતો સાથે સૌથી મહત્વની બાબતમાં સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટેશનરી-પુસ્તકો શાળા પાસેથી ખરીદવાની બાબતને વૈકિલ્પકમાં ગણી લીધા છે. અમદાવાદની મોટાભાગની પ્રતિષ્ઠીત શાળાઓ બાળકો માટે મોટાપાયે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડે છે. ઘરેથી લઇ જઇને મૂકી જવા સુધીની સુવિધા માટે જંગી રૂપિયા લેતી શાળાઓને આ નિર્ણયથી ફટકો પડયો છે. તેવી જ રીતે કેટલીક શાળાઓ સ્ટેશનરી અને પુસ્તકો પણ તેમની જ શાળામાંથી ખરીદવા માટે આગ્રહ રખાવતી હતી તેની પણ ગંભીર નોંધ લેતા સરકારે તેને વૈકલ્પિકમાં ગણી લેતા આવી શાળાઓ હવે વાલીઓને ફરજ પાડી શકશે નહીં. તે ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત રાજયની ૧૮૦૦ જેટલી શાળાઓ અત્યાર સુધી ફી કમિટી સમક્ષ ગઇ ન હતી. તેમાંથી કેટલીક શાળાઓએ સરકારના ફી નિર્ધારણના કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આવી શાળાઓને ફરજીયાત ફી કમિટી સમક્ષ જવા સુપ્રીમે આદેશ કર્યો હતો. તેને ધ્યાને લઇને પણ સરકારે આવી શાળાઓની ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ના વર્ષની ફી ની દરખાસ્ત હિસાબો સહિત બે અઠવાડિયામાં એટલે કે ૩૧ જુલાઇ સુધીમાં રજૂ કરવા પણ જાહેરનામામાં જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે શાળાઓ બે વર્ષની ફી ની દરખાસ્ત આપશે અને કમિટી તેને મંજૂર કરશે તે પછી તે ફી ધોરણ લાગુ પાડવામાં આવશે. જો શાળાઓએ વધુ ફી લીધી હશે તો તે વાલીઓને સરભર કરી અપાશે તેવી જાહેરાત પણ અગાઉ સરકારે કરેલી છે.(૨૧.૪)

શાળાઓ માટે ૧૦ બાબતોને વૈકલ્પિક પ્રવૃત્તિઓ જાહેર કરાઇ

.   ટ્રાન્સપોર્ટેશન

.   હોસ્ટેલ

.   ભોજન શાળા-ભોજનની સુવિધા

.   પર્યટન-પ્રવાસ

.   ઘોડાસવારી

.   સ્વીમીંગ

.   કલબની પ્રવૃતિઓ

.   પુસ્તકો અને સ્ટેશનરી

.   સંબંધિત બોર્ડના અભ્યાસક્રમમાં સહ શૈક્ષણિક પ્રવૃતિઓનો ભાગરૂપ ન હોય તેવી અન્ય પ્રવૃતિઓ

.   રાજય સરકાર દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવેલી તેવી અન્ય પ્રવૃતિઓ-સુવિધા

(11:51 am IST)