ગુજરાત
News of Wednesday, 18th July 2018

મુંબઇની ગોલ્ડ મેડાલિસ્ટ અને તબીબી વિદ્યાશાખાનો અભ્યાસ કરનાર ડો. હીના હિંગડેએ સંસારનો ત્યાગ કર્યોઃ કાલે જૈન ધર્મની દીક્ષા અંગિકાર કરશે

સુરતઃ મુંબઈની એમબીબીએસ ગોલ્ડ મેડાલિસ્ટ યુવતી તમામ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરી સન્યાસના માર્ગ પર જઈ રહી છે. આ ખુબ કઠીન નિર્ણય હોય છે. પરંતુ પોતાના આત્મ કલ્યાણ માટે તે ભગવાનની શરણે જઈ રહી છે. જેને લઈ તેમના પરિવારમાં દુખ સાથે ઉત્સાહનો માહોલ છે. ડો. હીના હિંગડેનો આજે વર્ષીદાન વરઘોડો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. આવતીકાલે હીના સાધ્વી વિવેકમાલા શ્રીજી એટલે કે ગુરૂમાંના હાથે સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરશે.

હીનાની દિક્ષાને લઈને તેના પરિવારજનો પણ ખૂબ ઉત્સાહિત છે. પરિવાર પણ દીક્ષા ઉત્સવની તૈયારીમાં વ્યસ્ત બની ગયો છે. સુરતમાં હીનાના વતન અને સમાજના અનેક પરિવારો રહે છે. પોતાના વતન અને નજીકની દીકરી, સ્નેહીજન સંયમના માર્ગે જઈ રહી હોવાથી તેઓ પણ ખુશ છે.

ઉલ્લેખનીય છે કે, મે-જૂન મહિનામાં ઉમરગામ દરિયાકિનારે યોજાયેલી સાધ્વી વિવેકમાલા શ્રીજી મ.ની 8મી ટિનેજર્સ કન્યા શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં કરોડપતિની દીકરીઓ સહિતની યુવતીઓએ ખરાબ સોબત ન કરવાના દ્રઢ સંકલ્પ કર્યા હતા. આ શિબરમાં યુવતીઓએ સાત દિવસ ગુરૂમાં પાસે વિતાવ્યા હતા. જ્યાંથી યુવતીઓએ વિદાય લેતા પહેલા કેટલાક દ્રઢ સંકલ્પ કર્યા હતા, જેમાં ટીવી, એસી, મોબાઈલ, ચીઝ, કંદમૂળ, ઠંડા પીણા, આઈસ્ક્રિમનો ત્યાગ કરવાનો સાથે રોજ માત્ર શેતરંજી પાથરીને સુવાનું, રાત્રી ભોજનનો હંમેશા ત્યાગ કરવાનો, ઉકાળેલુ પાણી જ પીવાનું, બોયફ્રેન્ડ-ડિસ્કોથેક-હુક્કાબાર તરફ ક્યારેય નજર નહીં કરવાની જેવા સંકલ્પ લીધી હતી. આ શિબિરમાં ડો. હીના હિંગડે પણ હતી. જે હવે સંસારનો ત્યાગ કરી આવતી કાલે દીક્ષા ગ્રહણ કરશે.

(5:42 pm IST)