ગુજરાત
News of Friday, 18th June 2021

આજે અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા, વલસાડમાં ભારે વરસાદની આગાહીઃ આગામી ૫ દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયુ છે. અનેક જિલ્લાઓમાં ગુરુવારથી ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે શુક્રવારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા, વલસાડમાં ભારે વરસાદ ખાબકી શકે છે.

હવામાન વિભાગે આગામી 26 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધનીય વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે ચોમાસુ આગળ વધી ચૂક્યું છે જેથી આગામી બે દિવસ બાદ પણ વરસાદ રહેશે પરંતુ તીવ્રતા ઓછી રહેશે. આણંદ, સુરત, ભરૂચ, વડોદરા, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને દમણ તથા નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 40 થી 50 પ્રતિ કિમીની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતા લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. વાતાવરણમાંથી ગરમી દૂર થઈ છે અને ઠંડક પ્રસરી ગઈ છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે.

આજે વહેલી સવારથી પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 12 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો, ઉમરગામમાં 2.71 ઈંચ, ધરમપુરમાં 13 mm, પારડીમાં 1.92 ઇંચ, વલસાડમાં 1.81 ઇંચ, વાપીમાં 22 mm વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સારા વરસાદથી ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.

આણંદમાં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ

આજે વહેલી આણંદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેમાં 6થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

(5:37 pm IST)