ગુજરાત
News of Friday, 18th June 2021

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલઃ અત્યાર સુધીમાં ૮ થી ૧૦ ઇંચ વરસી ગયો

૪૧ સ્થળોએ ઘૂંટણસમા પાણી ભરાયા વૃક્ષ ધરાશાયી, વાસણા બેરેજના ૪ દરવાજા ખોલાયા

રાજકોટ, તા. ૧૮ :  અમદાવાદ શહેરમાં ગઇકાલે સતત બીજા દિવસે પણ બપોર પછી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં ગઇકાલે બપોરે બે કલાકમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારના નિકોલમાં સૌથી વધુ સવા ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. શહેરમાં કુલ ૪૧ સ્થળોએ ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ૩ રોડ સેટલમેન્ટની ફરિયાદ નોંધાઈ હતી. એક સ્થળે ઝાડ ધરાશયી થયું હતું. કુબેરનગર ગરનાળા ખાતે ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયા હતા. વાસણા બેરેજના ચાર દરવાજા ખોલી દીધાં હતાં. નોંધનીય છે કે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ ૮ થી ૧૦ ઇંચ વરસાદ પડી ગયો છે.

અમદાવાદમાં ગત બુધવારે સાંજના ૪ વાગ્યાથી ગુરુવારે સાંજના ૪ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાકમાં પૂર્વ ઝોનમાં ૫૬.૧૭ મિમી, પશ્ચિમ ઝોનમાં ૩૯.૮૯ મિમી, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૨૮.૫૦ મીમી, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૪૪ મિમી, મધ્ય ઝોનમાં ૫૪.૨૫ મિમી, ઉત્તર ઝોનમાં ૮૯ મિમી અને દક્ષિણ ઝોનમાં ૪૮.૭૫ મીમી સાથે સરેરાશ ૫૧.૫૧ મિમી વરસાદ નોંધાયો હતો.

આમ, અમદાવાદ શહેરમાં અત્યાર સુધી ર૦૯ મીમી (આઠ ઇંચથી વધારે) વરસાદ પડી ગયો છે. અમુક વિસ્તારોમાં તો સરેરાશ ૧૦ ઇંચથી વધુ વરસી ગયો છે. અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનની આસપાસના વિસ્તારોમાં રપ૩ મીમી, દુધેશ્વરમાં ર૪૩, પાલડી રર૭, સરખેજ રર૬, નિકોલ રર૧, ઉસ્માનપુરા ર૧૮, સાયન્સ સીટી ર૧૭, બોડકદેવ ર૧૩, બોપલ ર૧ર, જોધપુર ર૦૯ અને નરોડામાં ૧૯૮ મી.મી. વરસાદ નોંધાયો છે.

(4:20 pm IST)