ગુજરાત
News of Friday, 18th June 2021

કોરોનાએ રાજ્ય પોલીસ દળના ૧૪૦ કર્મચારી -અધિકારીઓનો ભોગ લીધો : તમામના પરિવારજનોને સહાય ચુકવાઇ

ગાંધીનગર,તા. ૧૮: ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. તેમાંય બીજી લહેરમાં તો ઘણાં કેસો નોંધાયા હતા. આ કોરોનામાં કાયદો-વ્યવસ્થાની કામગીરી સાથે સંકળાયેલા પોલીસ સહિત એસ.આર.પી. વગેરે જવાનો પણ ઝપટમાં આવ્યા હતા. આ કોરાનાના સમયગાળા દરમિયાન ૧૪૦ પોલીસ કર્મચારી-અધિકારીઓના મુત્યુ થયા હતા. કોરોના વોરિયર્સ તરીકે સન્માન અપાયું હોવાથી ૪૦ પોલીસ કર્મચારી તથા અધિકારીગણને સરકારી લાભો ચૂકવાઇ ગયા છે. બીજા કેસોની પ્રક્રિયા ચાલુ છે જે ટુંક સમયમાં લાભો ચૂકવાઇ જશે તેમ ગુજરાતના પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટીયાએ જણાવ્યું છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં ભારે કહેર મચાવ્યો હતો. જેથી કોરોનાને ડામવા માટે પ્રજા દ્વારા કોરોનાની ગાઇડલાઇન જેવી કે માસ્ક તથા સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન કરાવવા ઉપરાંત રાત્રિ કરફયૂનું પાલન કરાવવાની જવાબદારી પોલીસના શિરે હતી. જેના કારણે પોલીસને કોરોનાથી બચાવવા માટે ડાયરેકટર જનરલ ઓફ પોલીસની કચેરી તરફથી ગન, માસ્કથી માંડીને સેનેટાઇઝર્સ ઉપરાંત આયુર્વેદિક ઉકાળા તેમ જ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને તેમને ડોકટરની ડિગ્રી ધરાવતાં આઇ.પી.એસ. અધિકારી દ્રારા સતત માર્ગદર્શન પુરું પાડવામાં આવતું હતું. ત્યાં સુધી કે પોલીસ જવાનોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડે તો તેના માટે દરેક શહેરની ક્રાઇમ બ્રાન્ચના એસીપીને નોડલ ઓફીસર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. ત્યાં સુધી કે ગુજરાત સરકાર દ્રારા પોલીસને પણ કોરોના વોરિયર્સ તરીકે ગણવાની જાહેરાત કરી હતી.

કોરોનાની પહેલી અને બીજી લહેરમાં પ્રજાની માફક પોલીસ જવાનો પણ ઝપટમાં આવ્યા હતા. સામાન્ય તકલીફ ધરાવતાં પોલીસ કર્મચારીઓ હોમ કવોરોન્ટાઇન થઇને કોરોનાની સારવાર કરાવી હતી. તો ગંભીર તકલીફ ધરાવતાં કર્મચારી-અધિકારીઓને હોસ્પિટલાઇઝ કરાવવામાં આવ્યા હતા. આ કોરોનામાં રાજયમાં ૧૪૦ પોલીસ કર્મચારી-અધિકારીઓ મુત્યુ પામ્યા હતા. આ મુતકો માટે સરકારી નિતી નિયમ મુજબ નિયત કરાયેલી પ્રક્રિયા પૂર્ણ થતાં સરકાર દ્રારા ૪૦ પોલીસ અધિકારી-કર્મચારીને કોરોના વોરિયર્સને ૨૫ લાખ રૂપિયા સહિત સરકારી લાભો ચૂકવવામાં આવ્યા છે. બાકીના વોરિયર્સની કામગીરી હાલ ચાલુ હોવાથી ટૂંક સમયમાં તેમને પણ લાભો ચૂકવાઇ જશે. કોરોનાના વોરિયર્સ તરીકે ફરજ બજાવતાં પોલીસ કર્મચારી-અધિકારીઓને ઉપર જણાવ્યા પ્રમાણેના લાભો સત્વરે ચુકવાય ઇચ્છનીય છે. તે માટે અગ્રતાના ધોરણે કામ કરવામાં આવે તે જોવા રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાની સૂચનાથી પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) બ્રજેશકુમાર ર્ઝાં દ્વારા રાજયના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના જારી કરવામાં પણ આવી છે.

(૧) બંધુત્વ સહાય (૨) ૫૦,૦૦૦ની મરણોત્ત્।ર સહાય, (૩) પેન્શન પેપર્સ, (૪) જૂથ વીમો, (૫) રજાનું રોકડમાં રૂપાંતર, ( ૬) એક તરફી વતન પ્રવાસ ભથ્થું, ( ૭) રહેમરાહે નોકરીના બદલે સરકાર તરફથી મુતકના પરિવારને ૪ લાખ રૂપિયા પહેલાં ચુકવાતા હતા. પરંતુ તેમાં સરકારે વધારો કરીને ૮ લાખ કર્યા છે. આ લાભ માત્ર વર્ગ-૩ના પોલીસ કર્મચારીઓને મળવાપાત્ર છે., ( ૮) ૨૫ લાખ રૂપિયા કોવિડ ૧૯ અંતર્ગત નાણાંકીય સહાય.

(4:18 pm IST)