ગુજરાત
News of Friday, 18th June 2021

ચોટીલામાં રોપ-વે નિર્માણના નિર્ણય બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માની આશીર્વાદ આપતા ચામુંડા માતા મંદિરના પ્રમુખશ્રી-સંતશ્રીઓ

ચોટીલાના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ આગામી સમયમાં રોપ-વેની મદદથી સરળતાથી દર્શન કરી શકશે

રાજકોટતા૧૮ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં  લાખો-કરોડો ભક્તોને સરળતાથી ચામુંડા માતાના દર્શનની સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકારે રોપ-વે બનાવવાનો નિર્ણય માર્ચ-૨૦૨૧માં કર્યો હતો. આ નિર્ણય બદલ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનો ચામુંડા માતાજી મંદિરના પ્રમુખ શ્રી અમૃતગિરિ ગોસાઈ સહિત સંતો-અગ્રણીઓએ રૂબરૂ મુલાકાત કરી આભાર માની આશીર્વાદ આપ્યા હતા. 

આ પ્રસંગે સંતોએ કહ્યું  હતું કે,  શ્રી ચામુંડા માતાજી – ચોટીલાના દર્શન માટે લાખો-કરોડો શ્રદ્ધાળુ- માઈ ભક્તો આવતા હોય છે, ત્યારે આ રોપ-વે શરૂ થવાથી નાના બાળકો અને વૃદ્ધો-વડીલો સહિત તમામને સરળતાથી માતાજીના દર્શનનો લાહવો મળશે.

આ મુલાકાત દરમિયાન શ્રી ચામુંડા માતાજીના મંત્રીશ્રીઓ, સંતશ્રીઓ, ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ  અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લાખો માઈ ભક્તો માતાજીના સરળતાથી દર્શન કરી શકે તે માટે ગુજરાતમાં અંબાજી, પાવાગઢ અને ગીરનારમાં રોપ-વેની સુવિધા રાજ્ય સરકાર દ્વારા  ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે હવે આગામી સમયમાં સુરેન્દ્રનગરના   ચોટીલા ખાતે પણ આધુનિક રોપ-વેનું નિર્માણ કરવામાં આવશે.

 

(3:06 pm IST)