ગુજરાત
News of Friday, 18th June 2021

કોર્ટના આદેશો સામેની સંજીવ ભટ્ટની અરજીમાં ચુકાદો અનામત

અમદાવાદ, તા., ૧૮: ૧૯૯૮માં બનાસકાંઠામાં ખોટો નાર્કોટીકસ કેસ ઉભો કરવાના આરોપમાં જેલમાં બંધ પુર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટે પાલનપુરની સ્પેશ્યલ ટ્રાયલ કોર્ટે ગત માર્ચમાં આપેલા વિવિધ આદેશોને હાઇકોર્ટમાં રીવીઝન અરજી દ્વારા પડકાર્યા છે. હાઇકોર્ટે કેસમાં સુનાવણી પુર્ણ કરી ચુકાદો અનામત રાખ્યો છે.

સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં રીવીઝન અરજી કરી પાલનપુરની ટ્રાયલ કોર્ટે આપેલા વિવિધ ચુકાદાઓ અને આદેશનો હાઇકોર્ટમાં પડકાર્યા છે. તે સમયે તેમના તાબાના અધિકારી ડીવાયએસપી આઇ.બી.વ્યાસને વિનંતી માની તેમને સરકારી સાક્ષી બનાવવાના કોર્ટને નિર્ણયને પડકારાયો છે. આ ઉપરાંત ભટ્ટ સહીતના ૧પ આરોપીઓ પરના દોષારોપણને પડકારવામાં આવ્યું છે. આ ઉપરાંત ભટ્ટ સામે ફ્રેમ થયેલા ચાર્જમાં ફેરફાર કરવાના કોર્ટના નિર્ણય સામે પણ હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. સંજીવ ભટ્ટ ૧૯૯૮માં બનાસકાંઠાના જીલ્લા પોલીસ વડા હતા ત્યારે ખોટો નાર્કોટીકસ કેસ ઉભો કરવાના કેસમાં તેમની સામે ફરીયાદ નોંધાઇ હતી અને આ કેસમાં અત્યારે તેઓ પાલનપુર જેલમાં બંધ છે.

(1:25 pm IST)