ગુજરાત
News of Thursday, 17th June 2021

વડોદરામાં તોફાની પવન સાથે ભારે વરસાદ : વૃક્ષો સાથે રોડ પર વિશાળ હોર્ડિંગ્સ ધરાસાયી

વડોદરામાં અડધો કલાકમાં દોઢ ઇંચ વરસાદ : રાત્રિબજાર પાસે આવેલું વિશાળ હોર્ડિંગ્સ તૂટી પડતાં ટ્રાફિક ખોરવાયો

વડોદરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. અડધો કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. અનેક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયાં હતાં. આ ઉપરાંત 3થી 4 સ્થળોએ ઝાડ નીચે વાહનો દબાઇ ગયાં હતાં અને અનેક સ્થળોએ ટ્રાફિકજામનાં દૃશ્યો પણ સર્જાયા હતાં.

વડોદરા શહેરમાં આજે મેઘરાજાનું આગમન થયું છે. જાણવા મળ્યું છે કે, નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયાં છે. જોકે, છેલ્લા કેટલાક દિવસથી ગરમીના અસહ્ય ઉકળાટ બાદ આજે વરસાદનું આગમન થતાં લોકોએ રાહત અનુભવી છે. કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં કેટલાંક સ્થળોએ હોર્ડિંગ્સ પડી ગયાં હતાં. તેમજ વડોદરાના રાત્રિબજાર પાસે આવેલું વિશાળ હોર્ડિંગ્સ તૂટી પડતાં ટ્રાફિક ખોરવાઇ ગયો હતો.

આ ઉપરાંત વડોદરા શહેરના રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયાં હતાં. જેને પગલે વાહનચાલકો ખુબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી.

જેને પગલે શહેરીજનો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયાં હતાં. જેને પગલે વીજ કંપની અને ફાયરબ્રિગેડ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત પાદરામાં 40 મિ.મી. વરસાદ વરસ્યો હતો. પાદરામાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયાં હતાં અને અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો.

(12:08 am IST)