ગુજરાત
News of Tuesday, 18th June 2019

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આગામી કાર્તિકી સમૈયા પ્રસંગે પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે : ૨૦૦ કુંડી મહાવિષ્ણુયાગની તમામ જવાબદારી SGVP ગુરુકુલ સંભાળશે.

વડતાલ તા. ૧૮ જ્યાં ભગવાન સ્વામિનારાયણે પોતાના હસ્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને પોતાનું સ્વરુપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવેલ છે તે તીર્થધામ વડતાલ ખાતે, આગામી કાર્તિકી પૂર્ણિમા સમૈયા પ્રસંગે, પ.પુ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવા તૈયારી થઇ રહી છે. છેલ્લા ૭ મહિનાથી પ્રત્યેક પુનમે વિવિધ સંસ્થાના સંતો દ્વારા વચનામૃત પર્વ ઉજવાઇ રહેલ છે.

   ગત ૧૭ જુન પુનમના પુનિત પર્વે વડતાલ મંદિરના સભા મંડપમાં, શા.માધવપ્રિયદાજી સ્વામીની પ્રેરણાથી, ગુરુકુલ દ્વારા, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ૭મું વચનામૃત પર્વ સંકીર્તન, વચનામૃત આધારિત પ્રશ્નોત્તરી તથા કથામૃત દ્વારા ઉજવાયું હતું. પાર્ષદ શ્રી ઉદય ભગતે વડતાલ વચનામૃત આધારિત તમામ પ્રશ્નોના જવાબો આપ્યા હતા.

    આ પ્રસંગે પાર્ષદ શ્રી શામજી ભગતે જણાવેલ કે વચનામૃતતો ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી છે. વચનામૃત ગ્રન્થ એ રહસ્ય ગ્રન્થ છે. તમામ શાસ્ત્રોનો સાર વચનામૃતમાં જોવા મળે છે. મનુષ્યજન્મની સાર્થકતા શેમાં છે તેની સમજણ આપણને વચનામૃત આપે છે. વચનામૃતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે વેદ, ઉપનિષદ, બ્રહ્મસુત્રો, શ્રીમદ્ ભગવત્ ગીતા, શ્રી ભાગવત વગેરે ગ્રન્થોનું રહસ્ય સુંદર રીતે સમજાવ્યું છે.

  આ પ્રસંગે રીબડા ગુરુકુલના સંચાલક શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીએ વિસ્તારપૂર્વક વચનામૃતનું વિવેચન કર્યું  હતું.

 પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ વચનામૃત અંતર્ગત આવતા ભકતોના ચરિત્રો કહ્યા હતા અને આ વચનામૃત પર્વ ઉજવવામાં મંદિરે જે સહકાર આપ્યો હતો તેનો આભાર માન્યો હતો.

   આ પ્રસંગે મંદિરના ચેરમેન શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું આગામી કાર્તિકી સમૈયા પ્રસંગે આયોજીત વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં વડતાલ ખાતે વિશ્વના વિવિધ દેશોમાંથી ૧૦ થી ૧૫ લાખ ઉપરાંત ભાવિકો દર્શનાર્થી ઉમટશે એવી ધારણા છે ત્યારે તેના ઉતારા વગેરેની તમામ વ્યવસ્થા કરવામાં આવશે.

  વચનામૃતને ૨૦૦ વર્ષ પુરા થાય છે ત્યારે ૨૦૦ કુંડી વચનામૃત મહાયજ્ઞનું સમગ્ર આયોજન એસજીવીપીના પૂજ્ય પુરાણી ભક્તિ્પ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર ગુરુકુલ પરિવાર  દ્વારા કરવામાં આવશે.

  આ પ્રસંગે બાપુ સ્વામીએ વડતાલ ધામ ટેમ્પલબોર્ડના સેવાકાર્ય અને ૭મા વચનામૃત પર્વમાં શ્રદ્ધા સાથે ભાગ લેવા પધારેલ એસજીવીપી પરિવારના સભ્યોને હ્રદયપૂર્વક બિરદાવ્યા હતા.

 આ પ્રસંગે પૂજ્ય લાલજી મહારાજ શ્રી સૌરભપ્રસાદજી મહારાજ વધારતા સંતોએ પૂર્ણકુંભથી વેદના ગાન સાથે સ્વાગત કર્યુ હતું. તેઓશ્રીએ વડતાલ ધામનું માહાત્મ્ય અને વચનામૃતના દિવ્ય વચનોની નિશ્ચયાત્મક ઝાંખી કરી પોતે એસજીવીપી ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતા તે યાદ તાજી કરી હતી. આ પ્રસંગે કોઠારી શ્રી સંતસ્વામી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન શાસ્ત્રી હરિગુણદાસજી સ્વામીએ સંભાળ્યું હતુ.

(12:29 pm IST)