ગુજરાત
News of Monday, 18th June 2018

ઉમરેઠ તાલુકાના ઝાલાબોરડીમાં પાણી ન આવતા લોકોએ મહિલા સરપંચને ઢોર માર માર્યો

ઉમરેઠ:તાલુકાના ઝાલાબોરડી ગામે આજે બપોરના સુમારે પાણી આવતુ ના હોય તેની રીસ રાખીને ૬ શખ્સોએ હુમલો કરીને મહિલા સરપંચ તેમજ તેમના દેરાણીને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર ઝાલાબોરડીના મહિલા સરપંચ સોનલબેન રમેશભાઈ સોઢા પરમાર પોતાના ઘરે હાજર હતા ત્યારે વિક્રમસિંહ રામસીંગ પરમાર, કરણસિંહ ઉર્ફે ટીકો મગનભાઈ પરમાર, વિપુલભાઈ અરવિંદભાઈ પરમાર, વિરેન્દ્રભાઈ વિક્રમભાઈ પરમાર, વનરાજસિંહ રાજેન્દ્રસિંહ પરમાર તથા હંસાબેન અરવિંદભાઈ પરમાર આવી ચઢ્યા હતા અને પાણી આવતુ નથી તેમ જણાવીને તકરાર કરી હતી. 
સોનલબેને જે કાંઈ રજુઆત હોય તે પંચાયતમાં કરવાની તેમ કહેતા જ કરણસિંહે એક જોરદાર લાફો સોનલબેનને મારી દીધો હતો જેથી તેમની દેરાણી નીકીતાબેન વચ્ચે પડતાં તેણીને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. ભારે હોહા થતાં આસપાસના લોકો આવી ગયા હતા. દરમ્યાન છએ શખ્સો તમે પંચાયતમાં કેમના રાજ કરો છો તે અમે જોઈએ છે તેમ જણાવીને ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા.

(5:48 pm IST)