ગુજરાત
News of Wednesday, 18th May 2022

14.50 કરોડના સોનાથી પાવાગઢના 8 કળશ મઢાયા : દાનમાં મળેલા સોનાથી મુખ્‍ય શિખર પર 6 ફૂટનો કળશ અને ધ્‍વજા દંડ પર 1.50 કિ.ગ્રા. સોનાનો ઢાળ ચઢાવી પ્રસ્‍થાપિત કરાયા

પાવાગઢની શોભામાં વધારો : ભાવિકોમાં આકર્ષણનું કેન્‍દ્ર

પંચમહાલઃ ઈતિહાસમાં પ્રથમ વખત દાતા દ્વારા દાનમાં મળેલ 14.50 કરોડના સોના વડે પાવાગઢના મહાકાળીના નીજ મંદિર પર 2 ફૂટના એક કળશ પર 200 ગ્રામ લેખે 8 કળશ તથા ધ્‍વજાદંડ પર 1.50 ગ્રામ સોનાના ઢાળ ચડાવી સુશોભન કરાયુ છે. ભકતોમાં આકર્ષણ વધ્‍યુ છે.

યાત્રાધામ અને શક્તિપીઠ પાવગઢ ખાતે હાલ નવીનીકરણ અને વિકાસનું કાર્ય અંતિમ તબક્કામાં છે, ત્યારે મહાકાળી નિજ મંદિર ઉપર ઇતિહાસમાં પ્રથમ વખત સોનાના કળશ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. જે હાલ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

શક્તિપીઠ પાવગઢ ખાતે મહાકાળી મંદિરનું નવીન મંદિર બન્યા બાદ મંદિરની ટોચ પર આવેલ મુખ્ય શિખર પર સોનાના આઠ કળશની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મંદિરના શિખરનું કામ પૂર્ણ થતાં દાતાઓ તરફથી મળેલ સોનાના દાનમાંથી પ્રથમવાર મંદિરના મુખ્ય શિખર સહિત કુલ 8 શિખરો પર સોનાના ઢોળ ચઢાવેલ કળશની પૂજા વિધી કરી સ્થાપના કરવામાં આવી છે.

કુલ 13 કળશમાંથી મંદિરના મુખ્ય શિખર પર 6 ફૂટનો એક કળશ અને ધ્વજા દંડ પર 1.50 કિ.ગ્રા.નો સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો હતો. મંદિરના અન્ય 2 ફૂટના 7 શિખરો પર પણ સોનાનો ઢોળ ચઢાવી કળશ સ્થાપીત કરવામાં આવ્યા હતા. આ કડશો હાલ પાવગઢ મંદિરની શોભા વધારી રહ્યા છે અને ભક્તોમાં પણ આકર્ષક ઉભું કરી રહ્યા છે.

હાલ નિજ મંદિર પર 2 ફૂટના એક કળશ પર 200 ગ્રામ લેખે 7 નાના કળશ પર રૂા.7 કરોડના 1.4 કિ.ગ્રા. સોનાનો ઢોળ ચઢાવી પૂજા અર્ચના કરી મંદિરના નાના શિખરો પર સ્થાપિત કરાતાં માતાજીનું મંદિર પર પ્રથમવાર સોનાના કળશથી સુશોભિત થયું હતું.

પાવાગઢ મંદિર પર દાતાઓ તરફથી દાનથી મળેલા રૂા.14.50 કરોડના 2.900 કિ.ગ્રા સોનાનો ઉપયોગ કરીને નવીન બનેલા મંદિર પર સોનાના ઢોળ ચઢાવેલા 8 કળશ સ્થાપિત થતાં મહાકાળી માતાજીનું મંદિર ઇતિહાસમાં પ્રથમવાર શિખર બધ્ધ બન્યું છે.

(5:37 pm IST)