ગુજરાત
News of Tuesday, 18th May 2021

તૌકતે વાવાઝોડાને કારણે 3748 ગામડા, અને 22 કોવિડ હોસ્પિટલમાં વીજળી ગુલ : 30થી 40 ટકા વીજપોલ તૂટ્યા

1115 ગામડામાં ફરી વીજ પુરવઠો કાર્યરત કરાયો : 66 જેટલી હોસ્પિટલમાં હજી પણ વીજળી વિહોણી

અમદાવાદ : ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ ભારે તરાજી સર્જી છે. વાવાઝોડાને કારણે રાજયમાં ઘણા વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે અને ભારે નુકસાનના પણ દ્વશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે ઉર્જામંત્રી સૌરભ પટેલે  પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે, વાવાઝાડાને કારણે રાજય 3748 ગામડાઓમાં અને 122 કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો ખારવાયો છે. આ સાથે 30થી 40 ટકા વીજપોલ પણ તૂટી પડ્યા છે.

સૌરભ પટેલે જણાવ્યું હતું કે, તાઉ-તે વાવાઝોડાના કારણે 3748 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જેમાં 1115 ગામડામાં ફરી વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે. બાકીના ગામોમાં કામગીરી ચાલી રહી છે. તેમજ 122 કોવિડ હોસ્પિટલમાં પણ વીજ પુરવઠો ખોરવાયો છે. જેમાં 66 જેટલી હોસ્પિટલમાં હજી પણ વીજ પુરવઠો કાર્યરત થયો નથી.

ઊર્જા વિભાગને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે. 2.23 લાખ કિમી વીજ લાઇન છે. જેમાં 9 હજાર કિમી લાઇનને નુકસાન પહોંચ્યું છે. ગોંડલના 16 સબસ્ટેશન પૈકી 8 સબ સ્ટેશન શરૂ કરી દેવામાં આવ્યા છે. બાકીના 8 સબસ્ટેશનનું કામ ચાલી રહ્યું છે. હાલ ગુજરાતમાં 123 સબ સ્ટેશન બંધ છે. મહુવામાં મોટું નુકસાન થયું છે. કચ્છ, જામનગર અને મોરબીના વીજ કર્મીઓની મદદ લેવામાં આવી છે.

(7:21 pm IST)