ગુજરાત
News of Tuesday, 18th May 2021

‘તૌકતે’ વાવાઝોડામાં વડતાલ ધામ અસરગ્રસ્તોની વ્હારે : રસોડું શરૂ કરાયું : 3 હજાર ફૂડ પેકેટ તૈયાર

‘તૌકતે’ વાવાઝોડામાં અસરગ્રસ્તોના ભોજનની વ્યવસ્થા માટે વડતાલ મંદિર દ્વારા આયોજન

અમદાવાદ : ‘તૌકતે’ વાવાઝોડાની આગાહીના પગલે રાજ્ય સરકારે પણ તકેદારીના ભાગરૂપે કાંઠા વિસ્તારમાંથી 2 લાખ જેટલા નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા છે. તોફાની પવન સાથે આવેલા વરસાદના પગલે અનેક લોકોના મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે. એવામાં વડતાલ ધામ અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યું છે.

ખેડા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થ વડતાલ મંદિર દ્વારા “તૌકતે” વાવાઝોડામાં અસરગ્રસ્તોના ભોજનની વ્યવસ્થાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે રસોડું શરૂ કરી દેવામાં આવ્યું છે.

વડતાલ મંદિર દ્વારા ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં મસાલા પુરી, ગાંઠિયા અને મીઠાઈ સાથે પ્રસાદરૂપ ભોજનના પેકેટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે જ અત્યાર સુધીમાં ત્રણેક હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર થઈ ગયા છે. જેમાં મંદિર અને સત્સંગીઓએ સહિયારો પુરુષાર્થ કરીને સેવાનો લાભ લીધો છે.

આ અંગે ડૉ સંત સ્વામી મુખ્યકોઠારીશ્રીએ જણાવ્યું કે, આ સેવાનો અવસર છે. જે જેટલું કરી શકે તે તેનું સૌભાગ્ય કહેવાય. વડતાલ સંસ્થા આવા સેવા કાર્યોને સૌભાગ્ય માને છે. અમારા આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામીના માર્ગદર્શન મુજબ અમે આ સેવાઓ કરીએ છીએ.

વડતાર મંદિરની યાદીમાં જણાવ્યા મુજબ, આજે સેવકોને પૂ નૌતમપ્રકાશદાસજી સ્વામી- સત્સંગ મહાસભા પ્રમુખશ્રી, પૂ ગોવિંદપ્રસાદ સ્વામી- મેતપુરવાળા વેગેરે સંતોએ સેવા કરતાં સેવકોને પ્રેરણાબળ પુરૂ પાડ્યું હતું. શ્યામવલ્લભ સ્વામી અને મુનિવલ્લભ સ્વામીએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી.

(7:19 pm IST)