ગુજરાત
News of Tuesday, 18th May 2021

વાવાઝોડા સાથે ભારે વરસાદને લીધે નદીમાં ઘોડાપુર આવ્યું : અમરેલી-રાજુલા ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો

અમરેલી જિલ્લામાં સૌથી વધારે નુકસાન: હિંડોરણા ધાતરવડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ : કડી, મહેસાણા,માણસા, સિદ્ધપુર, વડનગર અને અંબાજીમાં વાવાઝોડાની અસર

અમદાવાદ : તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં ભારે આફત સર્જી છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં સૌથી વધારે નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. ભારે વરસાદને લઈ અમરેલી-રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો છે અને હિંડોરણા ધાતરવડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. ડેમ ઓવરફ્લો થતા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

તૌકતે વાવાઝોડાની અસર અમદાવાદમાં શરૂ થઈ ગઈ છે. શહેરમાં હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદમાંથી પસાર થયા બાદ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ જશે. ગાંધીનગરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ પ્રમાણે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે. ઉત્તર ગુજરતામાં ખાસ કરીને કડી, મહેસાણા,માણસા, સિદ્ધપુર, વડનગર અને અંબાજીમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

અમદાવાદ શહેરમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. શહેરમાં આજે સવારે 4 વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી ટોટલ 75.69 મીમી વરસાદ પડ્યો છે. જો કે, છેલ્લા બે દિવસમાં 5 ઈંચ વરસાદ પડતા શહેર જળબંબાકાર થઈ ગયું છે.

 

વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં અનેક ઘરોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી અને અંધારપટ છવાઇ ગયો હતો. રાજકોટના આટકોટ, જસદણ સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જેને કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.

અમદાવાદ જિલ્લામાં બપોર બાદ તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાયા હતા તેમજ ગટરો ઉભરાઇ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સાબરમતી નદીમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.

 

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામની મીના બોટ વાવાઝોડાને કારણે ગાયબ થઇ ગઇ હતી. બોટ ગાયબ થવાના સમાચાર મળતા જ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 13 મેએ ધોલાઇ બંદરેથી આ બોટ 8 માછીમારો સાથે નીકળી હતી. જોકે, તે બાદ તેના કોઇ સમાચાર મળ્યા નહતા

(7:10 pm IST)