ગુજરાત
News of Tuesday, 18th May 2021

અમદાવાદમાં કમોસમી વરસાદે તંત્રને ઉઘાડું કર્યું : ચોમાસા પહેલા રસ્તામાં ગાબડાં પડ્યા

ભૈરવનાથ રોડ ઉપર બીઆરટીએસ બસ સ્ટેશન પાસે અને વસ્ત્રાપુરના હિમાલયા મોલ રોડ ઉપર ભુવો પડ્યો

અમદાવાદ:  શહેરમાં બે દિવસથી જામેલા કમોસમી વરસાદના કારણે ભુવાની મૌસમ આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં બે દિવસમાં બે ભૂવા પડી ચુક્યા છે. ગઈકાલે અમદાવાદ શહેરના ભૈરવનાથ રોડ ઉપર બીઆરટીએસ બસ સ્ટેશન પાસે ભુવો પડ્યો હતો. આજે વસ્ત્રાપુરના હિમાલયા મોલ રોડ ઉપર ભુવો પડ્યો છે. અમદાવાદ મ્યુનિ. તંત્રએ ભુવાને બેરીકેટ લગાડવાની કામગીરી શરૂ કરી દીધી છે.

અમદાવાદ શહેરમાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ 100થી વધુ નાના મોટા ભૂવા પડે છે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં ભૂવા પડવાની સમસ્યા રોકવા માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવતા નથી.

આ વખતે તો ચોમાસુ બેસે તે પહેલા તૌટે વાવોઝોડાની અસરના પગલે બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે ભૂવા પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે, બે દિવસમાં બે ભૂવા પડી ચુક્યા છે. અમદાવાદ શહેરમાં વિવિધ સરકારી અને ખાનગી કંપનીઓ દ્વારા રોડ ખોદવામાં આવે છે પછી યોગ્ય વોટરિંગ ન કરાતા ભૂવા પડવાની સમસ્યા વકરે છે.

(7:06 pm IST)