ગુજરાત
News of Tuesday, 18th May 2021

અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે ભારે વરસાદે તૂટી પડ્યો : આકાશમાં ઘટાટોપ વાદળોથી અંધારું છવાયું

સરેરાશ વરસાદમાં તંત્રની પોલ ખુલી :ઠેર ઠેર પાણી ભરાતા હાલાકી

અમદાવાદઃ અમદાવાદમાં સમી સાંજે અચાનક જ વીજળીના કડાકાભડાકા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો. આમ પણ અમદાવાદ શહેર છેલ્લા કેટલાય સમયથી ભારે બફારાનો અનુભવ કરી રહ્યું છે. સમી સાંજે પડેલા વરસાદના લીધે શહેરને ગરમીમાંથી રાહત મળી હતી. બપોરના તડકાને જોતા લાગતુ ન હતુ કે સાંજે વરસાદ પડી શકે છે. પણ સાંજ પડવાની સાથે વાતાવરણ બદલાયું. અચાનક જ ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને વાતાવરણ પણ વાદળોના લીધે એકદમ ઘનઘોર થઈ ગયું.

અમદાવાદમાં ભારે વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાતા સાથે કેટલાય વિસ્તારોની સ્થિતિ વણસી હતી. આ વિસ્તારોમાં શહેરી તંત્રની નબળી કામગીરી સામે આવી હતી. તંત્ર માટે આ પ્રકારના વરસાદને પહોંચી વળવા માટે કોઈ આયોજન ન હતુ. ફક્ત માંડ અડધા ઇંચ જેટલા વરસાદે તંત્રને હરકતમાં લાવી દીધુ હતુ. તંત્ર રસ્તાઓ પરના ખાડા પૂરે તે પહેલા તે ખાડા વરસાદી પાણીથી જ પૂરાઈ ગયા હતા.

શહેરમાં સામાન્ય રીતે સાંજે સાત વાગે અંધારુ થતુ હોય છે, તેની સામે ફક્ત સાડા પાંચે જ રાત જાણે રાત પડવાની સ્થિતિ હોય તેવું વાતાવરણ સર્જાઈ ગયુ હતુ. વાતાવરણ પણ એકદમ ધૂંધળુ થઈ ગયુ હતુ. શહેરમાં શરૂ થયેલો વરસાદ અડધો કલાક સુધી ચાલ્યો હતો અને ધુમ્મસનું પ્રમાણ તેના લીધે વધી જવા પામ્યુ હતુ. તેના કારણે વાહનચાલકોને તકલીફ પડી હતી.

ઉલ્લેખનીય છે કે શહેરીજનોને વરસાદમાંથી હજી રાહત મળવાની નથી. કારણ કે 30મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ગમે ત્યારે વરસાદ પડતો રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. તેથી શહેરમાં આમ પણ ગયા સપ્તાહમાં બેથી ત્રણ વખત વરસાદ પડી ચૂક્યો હતો. આના લીધે અમદાવાદ પણ એકાંતરા દિવસે વરસાદનો અનુભવ કરતું જ રહેશે.

પ્રારંભમાં ધીમી ધારે શરૂ થયેલા વરસાદે પછી પવનની સાથે વેગ પકડ્યો હતો. વરસાદની રમઝટ ફક્ત અમદાવાદ પૂરતી જ સીમિત રહી ન હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. અમદાવાદના કેટલાય વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદ જોવા મળ્યો છે. આ ઉપરાંત હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલે હળવાથી લઈને મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે. તેઓના કહેવા મુજબ વરસાદનો આ અંતિમ વરસાદ છે અને હાલમાં અમદાવાદ અને સમગ્ર ગુજરાતનો મોસમના ગુજરાતની સરેરાશ 100 ટકાની ઉપરની છે. 96 ટકાની સરેરાશને સામાન્ય વરસાદ માનવામાં આવે છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા હળવા પ્રેશરના લીધે મધ્યપ્રદેશના દક્ષિણ હિસ્સા, દક્ષિણ અને પશ્ચિમી રાજસ્થાન, ગુજરાત, આંધ્રના દરિયાકિનારાના વિસ્તારો, તેલંગણા અને વિદર્ભના કેટલાક વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં પડેલા ભારે વરસાદના લીધે કુલ 204 જળાશયમાંથી 126 તો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. જ્યારે બાકીના જળાશય 80થી 90 ટકા ભરાયેલા છે. આમ ગુજરાતે આગામી સમયમાં પાણીના મોરચે કોઈ ચિંતાનો સામનો કરવો પડે તેમ નથી. તેના કારણે એક કરોડ શહેરીઓની સાથે ખેતીને પણ સિંચાઈ માટે નોંધપાત્ર પ્રમાણમાં પાણી મળશે અને ઉદ્યોગધંધાને પણ જરૂરી પાણી મળશે.

(6:48 pm IST)