ગુજરાત
News of Tuesday, 18th May 2021

ભારે પવન અને વરસાદે ખેડૂતોને રોવડાવ્યા કેરીના પાકનો સોથ વળી ગયો : મોટા પાયે નુકસાન

અમદાવાદ,તા. ૧૮: અરબ સાગરમાંથી ઉઠેલું તૌકતે વાવાઝોડું ૧૮૫ કિમી પ્રતિ કલાકની ઝડપથી સોમવારે રાતે ૮:૦૦ કલાકે ગુજરાતના કિનારે અથડાયું હતું. વાવાઝોડાના કારણે કર્ણાટક, ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં ૧૮ લોકોના મોત થયા હતા. વાવાઝોડાએ મહારાષ્ટ્રમાં ૬ લોકોનો ભોગ લીધો હતો અને ચારેય રાજયોમાં હજારો ઘરોને નુકસાન થયું હતું. આ તરફ ગુજરાતમાં ૧.૫ લાખ કરતા પણ વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.તાઉ'તે વાવાઝોડાને પગલે અમરેલી, ગીર સોમનાથ તેમજ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. અમરેલીના બગસરામાં ૯ ઇંચ વરસાદ ખાબકયો. જયારે કે સાવરકુંડલામાં ૬ ઇંચ, ખાંભામાં ૪ ઇંચ વરસાદ વરસ્યો. બીજી તરફ ઊનામાં ૧૦ ઇંચ વરસાદને કારણે જળબંબાકારની સ્થિત સર્જાઇ. જયારે કે ગીર ગઢડામાં ૭ ઇંચ વરસાદ વરસ્યો. ભાવનગરના પાલીતાણામાં ૬ ઇંચ અને મહુવામાં ૫ ઇંચ, અમરેલીના સાવર કુંડલામાં સાડા છ ઈંચ, ખાંભામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો. રાજુલા અને બાબરામાં ૫-૫ ઈંચ વરસાદ પડ્યો. ગીર ગઢડામાં સાડા સાત ઈંચ તો ઉમરગામમાં પણ સાડા સાત ઈંચ વરસાદ પડ્યો હતો.ગીર સોમનાથના તાલાલાના ઘુંસિયાં ગામે વાવાઝોડાના કારણે વૃંદાવન ગીર ગૌશાળાની દિવાલો ધરાશાયી થઇ હતી. વાવાઝોડાના કારણે મકાનોના પતરા પણ ઉડી ગયા હતા.તો ખેડૂતોને પણ કેરીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે.

ભરૂચા વાલિયામા તાઉ-તે વાવાઝોડાથી વ્યાપક નુકશાન થયું છે. ભારે પવનના કારણે કેળ અને પપૈયાના ઉભા પાક જમીન દોસ્ત થયા છે. તેથી ફળોની ખેતી કરતા ખેડૂતોને વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.જૂનાગઢમાં પણ તાઉ તે તારાજી સર્જી છે.ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. ભારે પવનથી ખજૂરી સહિતના અને વૃક્ષો જમીન દોસ્ત થઇ ગયા હતા. વિનાશકારી આફતથી લોકોનું જનજીવન પણ ખોરવાયું છે. કેટલાક મકાનોના પતરાં પણ ઉડી ગયા હતા. વાવાઝોડાથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો.સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે ધોધમાર વરસાદ સાથે પવન ફૂકાયો હતો.વેરાવળ કોડીનાર હાઈવે પર આવેલી દુકાનોના પતરા ઉડી ગયા હતા.તેમજ મોટી સંખ્યામાં વૃક્ષો ઘરાશાઈ થયા હતા. મધરાત્રીથી વીજ પુરવઠો ખોરવાયો હતો અને તાલુકામાં મોટા પ્રમાણમાં નુકશાન જોવા મળ્યુ હતું.નવસારી તાલુકાના ઉભરાટ-મરોલી રોડ ઉપર ભારે પવન ફૂંકાતા રસ્તા પર વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયી થતા શ્રમજીવીઓએ બનાવેલા ઝુપડાઓને નુકસાન થયુ. તો બીજી તરફ નવસારીના ગણદેવી, ચીખલી, જલાલપોર તાલુકામાં ભારે પવનો સાથે ધોધમાર વરસાદ પડ્યો. જિલ્લામાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. જેથી અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા. જેને દૂર કરવા એનડીઆરએફની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(3:59 pm IST)