ગુજરાત
News of Tuesday, 18th May 2021

૪૪૩ ઝાડ પડી ગયા : ૨૨૭ રસ્તા પુનઃ ચાલુ કરાયા : ૯૮ હજુ બંધ

રાજકોટ જિલ્લામાં ૮ રસ્તાને અસર : ૧૩ ઝાડ પડયા : સૌથી વધુ ગિર સોમનાથ જિલ્લામાં ૧૪૮ ઝાડનો ઢાળીયો : રાજ્યમાં ૪૦ વીજ થાંભલા વળી ગયા અથવા પડી ગયા : માર્ગ મકાન વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે કાર્યવાહી

રાજકોટ તા. ૧૮ : રાજ્યમાં ગઇકાલથી શરૂ થયેલ વરસાદ અને વાવાઝોડાના કારણે રાજ્ય ધોરી માર્ગો અને રાષ્ટ્રીય ધોરી માર્ગોને નોંધપાત્ર અસર પડી છે. તીવ્ર પવનના કારણે રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં ઠેર-ઠેર વૃક્ષો પડી જવાથી વાહન વ્યવહાર પર અસર પડી છે. માર્ગ મકાન વિભાગ દ્વારા પડેલા ઝાડ અને વીજ થાંભલાના કારણે બંધ થઇ ગયેલા રસ્તાઓ પુનઃ ચાલુ કરવા માટે યુધ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો હવે વરસાદ કે વાવાઝોડુ વધુ નુકસાન ન કરે તો આવતીકાલ સુધીમાં રસ્તાની પરિસ્થિતિ પૂર્વવત થઇ જવાની ધારણા છે.

માર્ગ મકાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે સવારે ૮ વાગ્યાની સ્થિતિએ ૪૪૩ જેટલા ઝાડ રસ્તામાં અવરોધ થાય તે રીતે પડી ગયા છે. ગિર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ ૧૪૮ ઝાડ પડયા છે. ૪૦ સ્થળોએ વીજ થાંભલાએ અવરોધ સર્જતા હટાવવાની જરૂર પડી છે, આ તમામ ૪૦ વીજ થાંભલા અમરેલી જિલ્લામાં છે. ૨૨૭ રસ્તા પરથી અવરોધ હટાવી પુનઃ ચાલુ કરી દેવામાં આવ્યા છે. ૯૮ જેટલા રસ્તા બંધ છે તે શકય તેટલી ઝડપે ચાલુ કરવાના પ્રયાસો છે. સૌથી વધુ ૨૭ રસ્તાઓ ગિર સોમનાથ જિલ્લામાં બંધ છે. રસ્તા અને ઝાડ પડવાની દ્રષ્ટિએ સોમનાથ ઉપરાંત વલસાડ, જામનગર, દ્વારકા, સુરત, ભરૂચ, નર્મદા, નવસારી, પંચમહાલ વગેરે જિલ્લાઓમાં વિશેષ અસર છે. બોટાદ, મહીસાગર, ગાંધીનગર, મહેસાણા વગેરે જિલ્લાઓમાં ઝાડ પડયાના કે રસ્તા બંધ થયાનો કોઇ બનાવ આજે સવાર સુધીમાં નોંધાયેલ નથી.

(3:19 pm IST)