ગુજરાત
News of Tuesday, 18th May 2021

અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું: કામ વગર ઘરથી બહાર ન નીકળવા સુચના

અમદાવાદ જિલ્લામાં બપોર બાદ તૌકતે વાવાઝોડાની અસર જોવા મળશે

અમદાવાદ, તા.૧૮: વિનાશક તૌકતે વાવજોડું સીવીયર સાયકલોનીક સ્ટોર્મ બનીને અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે. લેટેસ્ટ અપડેટ મુજબ વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમ અમદાવાદથી ૨૦૫ કિમી દૂર છે. જયારે વાવાઝોડું સુરેન્દ્રનગરથી ૧૨૫ કિમીના અંતરે છે. વાવાઝોડાના લેન્ડફોલ બાદ ઝડપ ઘટી છે. જોકે, દરેકે સાવચેતી રાખવાની જરૂર છે.

તૌકતે વાવાઝોડાએ દિવ-ઉના સહિત સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલી સહિતના જિલ્લામાં તારાજી સજર્યા બાદ અમદાવાદ પાસેથી બપોરના ૩ વાગ્યાની આસપાસ પસાર થવાનું છે. તૌકતે વાવાઝોડાને પગલે અમદાવાદનું વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયુ છે. જિલ્લા કલેકટરે કામ વગર કોઇ પણ વ્યકિતને ઘરની બહારના નીકળવાની તાકીદ કરી છે.

તૌકતે વાવાઝોડુ આગામી ત્રણ થી ચાર કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શકયતા છે. આ દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઇ પ્રકારની જાનમાલની નુકસાની ના થાય તે માટે અમદાવાદ જિલ્લાવહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. કામ વગર કોઇ પણ વ્યકિતએ દ્યરની બહાર ના નીકળવાની પણ કલેકટરે તાકીદ કરી છે. તૌકતે વાવાઝોડાના પગલે સાબરમતી નદીનું લેવલ ઓછું કરાયું છે. વાસણા બેરેજના ૨ દરવાજા ખોલવામાં આવ્યાં છે. ૨૦ અને ૨૩ નંબરના દરવાજા ખોલી પાણીનું સ્તર ૧૩૩ માંથી ૧૩૦ ફૂટ કરવાની સુચના આપવામાં આવી છે. વાવાઝોડાની ધોલેરા ખાતે અસર, જોવા મળી. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખડેપગે કામગીરી કરવામાં આવી છે. ગોગલા ગામના નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદ માં પણ વાતાવરણ માં પલટા સાથે  પવન પણ જોર પકડી રહ્યો છે.

તૌકતે વાવાઝોડાને કારણે અમરેલીના રાજુલામાં ૨૦૦દ્મક વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા જેને કારણે મોટાભાગના રસ્તા બંધ થઇ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાવાઝોડાને કારણે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. પાલડી, આશ્રમ રોડ, વાસણા, જુહાપુરા, એસજી હાઇવે,પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

અમદાવાદ જિલ્લામાં બપોર બાદ તૌકતે વાવાઝોડાની અસર જોવા મળશે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઇ ગયા હતા. તેમજ ગટરો ઉભરાઇ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સાબરમતી નદીમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં અનેક ઘરોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી અને અંધારપટ છવાઇ ગયો હતો. રાજકોટના આટકોટ, જસદણ સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જેને કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.

(3:18 pm IST)