ગુજરાત
News of Tuesday, 18th May 2021

પવનથી કેરીઓ ખરી પડી, પાકેલા ફળ પલળ્યા, ર હજાર કરોડના નુકસાનનો અંદાજ

કોરોનાના નિયંત્રણોથી કેરીની અછત હતી ત્યાં 'તૌકતે'ને કારણે ગુજરાતી થાળીમાંથી કેરીનો રસ પણ ગાયબ થશે : રૂપિયા ૬ હજાર કરોડથી વધારે ઉત્પાદન થવાનું હતું. ૬૦ ટકા જેટલો માલ બજારમાં જાય તે પહેલાં જ બગડયો

અમદાવાદ તા. ૧૮: સેમી લોકડાઉનને કારણે પહેલાથી જ ગુજરાતી થાળીમાં કેસર કેરીના રસની અછત હતી, તેવામાં 'તૌકતે' વાવાઝોડા પહેલા દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદને કારણે આંબાની ડાળીએથી કેરીઓ ખરી પડી છે. દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાંથી બજારમાં આવવા વાડીઓ અને પેકિંગ થઇને તૈયાર પાકેલા ફળ પણ વરસાદને કારણે પલળ્યા છે. કેરી ઉત્પાદક ખેડૂતોને અંદાજે બે હજાર કરોડથી વધુનું નુકશાન થયું છે. આ સ્થિતિમાં આ ઉનાળે થાળીમાંથી કેરીનો રસ ગાયબ થાય તો નવાઇ નહીં.

ગુજરાતમાં કુલ ૧,૬૬,૩પ૮ હેકટરમાં કેરીનું વાવેતર થાય છે. એક અંદાજે આ વર્ષે ૧ર લાખ મેટ્રીક ટન એટલે કે રૂપિયા છ હજાર કરોડની કેરીનું ઉત્પાદન થવાની ધારણાં હતી. જયાં સૌથી વધુ અસર છે તેવા દરિયાકાંઠાના ૧૩ જિલ્લાઓમાં ૧,૩૬,ર૭૮ હેકટરમાં આંબાનું વાવેતર છે. જયાં ૧૦,ર૩,૦૭૩ મેટ્રીક ટન કેરીના ઉત્પાદનનો અંદાજ હતો. ૪૦ ટકા આસપાસ ઉતાર થયો છે. આથી રૂપિયા બે હજાર કરોડથી વધારે નુકશાન થયું છે. રવિવારની સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન રહ્યો છે. તેથી આંબા ઉપર તૈયાર થઇ રહેલા કેરીના ફળો તુટીને નીચે પડી રહ્યા છે. રવિવારની રાતથી વરસાદ પણ શરૂ થતા ભરે નુકશાન થયું છે. કેસર કેરી માટે જાણીતા તલાલા પાસે આવેલા ઘુસિયા ગામના ખેડૂત મેહુલ બારડે 'સંદેશ' સાથેની વાતચીતમાં ''આંબા ઉપર કંઇ જ બાકી રહ્યું નથી'' એવો નિસાસો નાંખતા કહ્યું કે, ઉના, રાજુલા તરફ વૃક્ષો તુટી પડયા છે.

''ધારી, સાવરકુંડલા, વિસાવદર એમ ઘણા વિસ્તારોમાં એક જ મહિનામાં ત્રણ વખત વરસાદ થયો છે. પહેલાથી જ કેરીમાં નુકશાન હતું ત્યાં છેલ્લો ફાલ પણ બરબાદ થઇ ગયો છે. ફળ પલળે એટલે જીવાત પડે છે એટલે એ કેરી કંઇ કામની રહેતી નથી. ખરેખર આંબાને પણ વીમા હેઠળ લેવા જોઇએ જેથી ખેડૂતોને આવી આપદામાં રક્ષણ મળે.''

-ડો. કે. વી. કિકાણી, પૂર્વ કુલપતિ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી

રવિ સિઝનમાં તૈયાર થયેલા ઘઉં, ચણા અને ડાંગર જેવી અનેક જણસીઓ ખેડૂતોના ઘરમાં, ખળામાં પડી રહી છે. આ વાવાઝોડાને કારણે તેમાંય ભેજ ઘુસવાની દહેશત રહી છે. કિસાન સંઘના મહામંત્રી બાબુભાઇ પટેલે કહ્યું કે, APMC અને લટેકાના ભાવે ખરીદી બંધ કરીને સરકારે ખેડૂતોને ભારે નુકશાન પહોંચાડયું છે. વાવાઝોડાને કારણે આવી જણસીઓ પણ બગડવાની શકયતા છે. હાથ ઉપર પૈસા નથી અને તરફ કૃષિ ધિરાણ સમયસર નહિ ચુકવાય તો રાષ્ટ્રીયકૃત બેંકોને વ્યાજ ચુકવવાનો વારો આવશે એ નકકી છે.

દ. ગુજરાત, સૌરાષ્ટ્રના ૧૩ જિલ્લાને અસર

જિલ્લો

આંબાનું વાવેતર હેકટરમાં

અંદાજીત ઉત્પાદન મે.ટનમાં

જુનાગઢ

૮,૬૭પ

પ૮,૧ર૩

ગીર સોમનાથ

૧૬,૦૦પ     

૧,૧૪,૪૩૬

અમરેલી

૭,ર૭૧

૪૮,ર૭૧

ભાવનગર

પ,૮૭પ

૪૮,ર૭૧

જામનગર

૪૬૦

ર,૮૦૬

પોરબંદર

૩પપ

ર,૯૪૭

સુરત

૧૦,૦૪૯

૬પ,૩૧૯

નર્મદા

૩,પ૭પ

ર૬,૬૩૪

ભરૂચ

ર,૯૩૩

ર૪,૯૩૧

ડાંગ

પ,૧૮૮

૩પ,૩૮ર

નવસારી

૩૩,પ૦૪     

ર,૯૪,૮૩પ

વલસાડ

૩૬,૪૩પ     

ર,૪૭,૭પ૮

તાપી

પ,૯૬ર

પ૩,૩૬૦

કુલ

૧,૩૬,ર૮૭

૧૦,ર૩,૦૭૩

(12:07 pm IST)