ગુજરાત
News of Tuesday, 18th May 2021

વાવાઝોડાના કારણે ગુજરાતમાં અંધારપટઃ ૨ હજારથી વધારે ગામમાં લાઈટ બંધઃ સૌથી વધારે ગામડાઓ થયા છે પ્રભાવિત

અનેક જીલ્લાઓમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો

અમદાવાદ, તા.૧૮: તાઉ-તે વાવાઝોડના પગલે રાજયના ૨ હજાર ૨૭૩ ગામમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ છે. વાવાઝોડાનાં કારણે ૪ હજાર ૨૩૧ ગામડાઓમાં વીજ પુરવઠો ખૌરવાયો હતો. જે પૈકી ૧ હજાર ૯૫૮ ગામડાઓમાં વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવ્યો છે. રાજયના ૩ હજાર ૫૦૨ ગામડાઓમાં ફીડર, ૧ હજાર ૭૭ વીજ પોલ અને ૨૫ ટ્રાસમીટર બંધ હાલતમાં છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં સંભવિત વાવાજોડાની તીવ્ર અસરને કારણે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ જતાં વરસાદી માહોલમાં વીજતંત્ર દોડતું રહ્યું હતું. આજે એગ્રીકલ્ચરના ૫૫૨ સહિત કુલ ૫૯૭ ફિડર ફોલ્ટમાં ગયા હતાં. ૨૦૩ ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. ૯૫ વીજપોલ ધરાશાયી થયા હતાં.

સૌરાષ્ટ્રમાં સંભવિત વાવાઝોડા સામે દર્દીઓની સુરક્ષા જાળવવા તેમજ દરિયકાંઠા વિસ્તારમાં જાનમાલની સલામતી જાળવવા સહિતના મુદ્દે વહીવટી તંત્રને એલર્ટ રહેવાના આદેશ પછી પણ આજે અનેક વિસ્તારોમાં લોકોએ હાલાકી ભોગવવી પડી હતી. જામનગર, દ્વારકા પોરબંદર, વેરાવળ અને ગિરસોમનાથ સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં અંદાજે ૫૯૭ ફીડર ટ્રીપ થઈ જતાં કલાકો સુધી વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. જેમાં મુખ્યત્વે ખેતીવાડીના ફિડર ફોલ્ટમાં ગયા હતાં. જેમાં જામનગર જિલ્લામાં સૌથી વધુ ૧૭૯ રાજકોટ ગ્રામ્યમાં ૬૭, મોરબીમાં ૭૧, પોરબંદરમાં ૪૮, જૂનાગઢમાં ૬૪, અમરેલીમાં ૧૬, સુરેન્દ્રનગરમાં ૫૪, તથા બોટાદમાં ૨૬ અને ભાવનગરમાં ૨૭ ફિડર ફોલ્ટમાં યા હોવાનું વીજતંત્રના સુત્રોએ જણાવ્યું હતું.

જયારે રાજકોટ ગ્રામ્યમાં તોફાની પવનને કારણે ૩૦, સુરેન્દ્રનગરમાં ૩૪ સહિત કુલ ૯૫ વીજપોલ તુટી પડયા હતાં. જયારે ભારે પવનને કારણે સૌથી વધુ અમરેલી જિલ્લાનો ૯૮ ગામોમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી. જયારે રાજકોટ શહેરમાં ૧૬૭ સહિત સૌરાષ્ટ્રમાં ૫૫૬ વીજફોલ્ટની ફરિયાદો આવી હતી. રાજકોટ શહેરમાં આજે જુદા જુદા વિસ્તારમાં ૧૬ ફિડરમાં ફોલ્ટ સર્જાતા અનેક વિસ્તારોમાં વીજળી વેરણ થતા લોકોએ હાલાકી ભોગવી હતી.

(12:06 pm IST)