ગરમીના પ્રકોપ વચ્ચે સાંજે હવામાનમાં એકાએક પલ્ટો
તીવ્ર ગરમીથી સામાન્ય લોકોને આંશિક રાહત મળી : આગામી બે દિવસ માટે હીટવેવના સંદર્ભે ચેતવણી જારી થતા તંત્ર સાબદુ : ગરમીથી બેના મોત થયાના અહેવાલ
અમદાવાદ, તા.૧૮ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત રીતે જારી રહ્યો છે. આજે સાંજે હવામાનમાં એકાએક પલ્ટો આવ્યો હતો. જેથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો અને ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી પરંતુ બપોરના ગાળામાં લોકોએ આગઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો. રાજ્યના અનેક ભાગોમાં આજે પણ પારો ૪૪થી ઉપર રહ્યો હતો. આજે રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ કંડલા એરપોર્ટ ખાતે થયો હતો. જ્યાં મહત્તમ તાપમાન ૪૪.૯ ડિગ્રી નોંધાયું હતું. આવી જ રીતે પોર્ટખાતે ૪૪.૬ ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગ તરફથી આગામી બે દિવસ દરમ્યાન હીટવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. જેથી લોકો વધારે સાવધાન થઈ ગયા છે. અમદાવાદમાં મોટાભાગના લોકો બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હિટવેવ એક્શન પ્લાનના સંદર્ભમાં કેટલીક સૂચનાઓ પણ જારી કરવામાં આવી ચુકી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. અમદાવાદમાં આજે બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં બપોરના ગાળામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું રહ્યું હતું. લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું છે. હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં હિટવેવની ચેતવણી બે દિવસ માટે જારી કરવામાં આવી છે જેના પરિણામ સ્વરુપે તંત્ર સાવધાન થઇ ગયું છે. આગામી દિવસોમાં પણ ગરમીના પ્રમાણમાં વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૪ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ૧૨ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૪૮૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૧૨ જ દિવસમાં ૧૦૯ અને ટાઇફોઇડના ૧૨૧ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૧૨ દિવસના ગાળામાં ૧૭૫ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાના ૦૪ કેસો સપાટી ઉપર આવ્યા છે. તંત્ર તરફથી પણ બિનજરૂરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવા જરૂરિયાત દેખાઈ રહી છે. બીજી બાજુ અમદાવાદમાં અને સાથે સાથે રાજ્યના અન્ય ભાગોમાં આગામી બે દિવસ દરમિયાન પારો ૪૧ થી ૪૫ વચ્ચે રહી શકે છે. બીજી બાજુ ગરમીના કારણે બે લોકોના મોત પણ થયા છે. જે પૈકી એકનું મોત ધાંગધ્રામાં થયું છે. મોતના અહેવાલને હજુ સુધી સમર્થન મળી રહ્યું નથી.
ગુજરાત : હોટસ્પોટ
સ્થળ......................................... તાપમાન (મહત્તમ)
અમદાવાદ.................................................... ૪૩.૮
ડિસા............................................................. ૪૨.૬
ગાંધીનગર....................................................... ૪૨
ઇડર............................................................. ૪૨.૮
વીવીનગર.................................................... ૪૩.૫
વડોદરા........................................................ ૪૨.૨
સુરત............................................................... ૩૫
વલસાડ........................................................ ૩૪.૯
અમરેલી....................................................... ૪૩.૬
ભાવનગર..................................................... ૪૦.૫
રાજકોટ........................................................ ૪૩.૩
સુરેન્દ્રનગર................................................... ૪૩.૪
ભુજ.............................................................. ૪૧.૫
નલિયા......................................................... ૩૭.૮
કંડલા એરપોર્ટ.............................................. ૪૪.૯
કંડલા પોર્ટ.................................................... ૪૪.૬
મહુવા........................................................... ૩૫.૪