ગુજરાત
News of Friday, 18th May 2018

અમદાવાદ-વડોદરા એક્સપ્રેક્સ વે પર માંકવા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા ૧નું મોત : ૫ ઘાયલ

પુત્રના લગ્ન માટે યુવતી જોવા ભરૂચથી અમદાવાદ જઇ રહેલ સોની પરિવારને અકસ્માત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેક્સ હાઇવે ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં ભરૂચનું સોની પરીવાર પોતાના પુત્રના લગ્ન માટે યુવતી જોવા માટે અમદાવાદ જઇ રહ્યો હતો. તે દરમ્યાન મહેમદાવાદ તાલુકાના માકવા ગામની સીમમાં તેમની ઇકો કાર ટ્રક પાછળ ઘૂસી જતા ૪૫ વર્ષીય યુવકનું મોત થયું હતુ જ્યારે ૫ને ઈજાઓ થતાં તેમને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.

   પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ અમદાવાદ-વડોદરા એક્સપ્રેક્સ વે પર આવેલા મહેમદાવાદ તાલુકાના માંકવા ગામની સીમમાંથી ભરૂચનું સોની પરીવાર ઇકો કાર નં.જીજે.૧૬ બીક્યુ.૨૨૦૪માં સવાર થઈ પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક તેમની ઇકો કાર રસ્તાની બાજુ પર ઉભી રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઇ હતી. જેના કારણે કારમાં બેઠેલા ૪૫ વર્ષીય યુવાન વિપુલભાઇ કરસનદાસ સોનીને શરીર પર ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ થયુ હતું. જ્યારે અન્ય પાંચ જેટલા લોકોને વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ થઇ હતી. ઘવાયેલાઓમાં ગીતાબેન વિપુલભાઇ સોની (ઉ. વ. ૪૦), હિરેનભાઇ વિપુલભાઇ સોની (ઉ. વ. ૨૪), યસ વિપુલભાઇ સોની (ઉ.વ.૨૧), હરબડાબેન ભીખાભાઇ સોની (ઉ. વ.૩૪)નો સમાવેશ થાય છે.

(1:21 pm IST)