ગુજરાત
News of Friday, 18th May 2018

ડીસાના શિપુડેમની કેનાલમાં જબરૂ ગાબડુઃ ખેતરોમાં પાણી ઘુસી જતા પાકને નુકસાન

બનાસકાંઠાઃ ડીસાના શેરપુરા ગામની શિપુડેમની માઇનોર કેનાલમાં ગાબડું પડવાના સમાચાર મળ્યા છે. કેનાલમાં ગાબડું પડતાં પાણી ચારેબાજુ ફેલાઈ ગયાં હતાં. કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતાં પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ. ખેતરમાં નુકસાનને કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે.

મળતી વધુ વિગત મુજબ, ઉનાળો આવે એટલે પાણીની તંગીની બૂમો ચાલુ થઈ જાય એ સ્વાભાવિક છે. બીજુ બાજુ, નાનીઅમથી ભૂલને કારણે લાખો લિટર પાણીનો વ્યય થતો હોય છે. ક્યાંક કેનાલમાં ગાબડું પડે અથવા પાઇપલાઇનમાં ભંગાણ પડે, પણ એમાં સમયસર પગલાં લેવામાં આવે તો પાણીનો વ્યય ઓછો કરી શકાય છે. આજે બનાસકાંઠાના ડીસાના શેરપુરા ગામની શિપુડેમની માઇનોર કેનાલમાં ગાબડું પડતાં લાખો લિટર પાણીનો વ્યય થયો છે. એટલું જ નહિ, આ પાણી ચારેબાજુ ફેલાતાં આસપાસનાં ખેતરોમાં ફરી વળ્યાં હતાં. ખેતરોમાં તળાવો બની ગયાં હતા. પાણીને કારણે ખેતરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેથી ખેડૂતો હેરાનપરેશાન થઈ ગયા છે.

બીજી તરફ આ મામલે તંત્રમાં રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. બનાસકાંઠામાં કેનલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત્ છે. કેનલ તૂટ્તાં ખેતરોમાં પાણી ફરી વળતાં કાળી મજૂરી કાર્ય બાદ ખેતરોમાં ઊભા પાકોમાં પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ જતાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેને કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠયો હતો. જોકે આ બાબતે ગ્રામજનોએ તંત્રમાં આ મામલે રજૂઆત કરવા છતાં અધિકારીઓ સામે આંખ આડા કાન કરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

(6:04 pm IST)