ગુજરાત
News of Monday, 19th April 2021

વલસાડ જિલ્લાના ડૉક્‍ટરો અને વિવિધ એસોસીએશનોના સહયોગથી એન્‍જિનિયરિંગ કૉલેજની હોસ્‍ટેલ ખાતે ૩૦૦ બેડની હોસ્‍પિટલ શરૂ કરાશે

આવતા સપ્‍તાહમાં વલસાડની એન્‍જિનિયરિંગ કૉલેજની ગર્લ્‍સ અને બોયઝ હોસ્‍ટેલ ખાતે ૩૦૦ બેડની હોસ્‍પિટલ યુધ્‍ધના ધોરણે ઊભી કરવામાં આવશે

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં હાલની કોરોનાની પરિસ્‍થિતિને ધ્‍યાને રાખી જિલ્લા કલેકટર આર.આર. રાવલે જિલ્લાના વિવિધ એસોસીએશનો, ડૉક્‍ટરો અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં  તાત્‍કાલિક કામચલાઉ ધોરણે ૩૦૦ બેડની હોસ્‍પિટલ ઊભી કરવાનો પ્રસ્‍તાવ મૂકતા તેને પ્રચંડ સમર્થન મળ્‍યું છે. આવતા સપ્‍તાહમાં વલસાડની એન્‍જિનિયરિંગ કૉલેજની ગર્લ્‍સ અને બોયઝ હોસ્‍ટેલ ખાતે ૩૦૦ બેડની હોસ્‍પિટલ યુધ્‍ધના ધોરણે ઊભી કરવામાં આવશે. જેના થકી સિવિલ હોસ્‍પિટલનું કામનું ભારણ ઘટાડી શકાશે. આ હોસ્‍પિટલ માટે મેડીકલ એસોસીએશને પોતાના તમામ ડૉકટરોની સેવા આપવાની ખાતરી આપી છે. બિલ્‍ડિર એસોસીએશને બેડ અને કોઇ નાણાંકીય ખર્ચની જરૂરિયાત હોય તે જવાબદારી તેમજ સ્‍વામીનારાયણ મંદિર તિથલ દ્વારા તમામની ચા-નાસ્‍તો અને ભોજન પૂラરું પાડવાની ખાતરી આપી છે. અન્‍ય એસોસીએશનોએ પણ પોતપોતાની રીતે સહયોગ આપવાની ખાતરી આપી છે. આ સેવાકાર્યમાં વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલની આગેવાનીમાં કમિટિની રચના કરવામાં આવી છે. જે કમિટિ આગળની કાર્યવાહીનું સમગ્ર સંચાલન કરશે.

(9:25 am IST)