ગુજરાત
News of Sunday, 18th April 2021

ચેઇન તોડવા સરકાર ૧૦-૧૫ દિવસનું લૉકડાઉન આપે

ડૉકટર્સ, સંતો, કલાકારોની અપીલ : કોરોના સામે આર્મીના ડૉક્ટર્સનો ઉપયોગ થઈ શકે તેવી રજુઆત કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બરે સરકારને કરી છે

અમદાવાદ,તા.૧૮  : રાજ્યભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યુ છે. કોરોનાની આ ચેઇન તોડવા ૧૦થી૧૫ દિવસનું લૉકડાઉન લગાડવું આવશ્યક છે. તેવો એક સુર હવે ડૉક્ટર્સ, સંતો અને કલાકારમમાંથી ઉઠી રહ્યો છે. જેને લઈને સરકાર આ  ૧૦-૧૫ દિવસનું લૉકડાઉન આપે અને તેની સાથે લોકોને સ્વયંભુ લૉકડાઉનનો અમલ કરવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ કોરોના સામે આર્મીના ડૉક્ટર્સનો ઉપયોગ થઈ શકે તેવી રજુઆત કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બરે સરકારને કરી છે. કોરોનાના કેસ વધી રહ્યા છે અને આંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. અન્ય રાજ્યોમાં મીની લૉકડાઉન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ૧૦થી ૧૫ દિવસનું લૉકડાઉન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

           જે અંગે પબ્લિક હેલ્થ એક્સપર્ટ અને કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર ડૉ.દિલીપ માવલંકર, ડૉ. વસંત પટેલ, ડૉ. મુકેશ મહેશ્વરી અને સંતો વતી કથાકાર રામેશ્વર બાપુ હરિયાણી અને કલાકારો વતી અભિલાશ ઘોડાએ આ અપીલ કરી છે.  તેઓએ જણાવ્યું કે, વાયરસના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. તેવામાં સ્વયંભુ લૉકડાઉન કરી કોઈપણ નાગરિક બિનજરૂરી પોતાના ઘરની બહાર ન નીકળે તેવી અપીલ છે. બીજી તરફ ડૉ. દિલીપ માવલંકરએ જણાવ્યું કે, ગત વેવ કરતા આ વેવ ત્રણ ગણી ગતિથી આગળ વધી રહ્યો છે, આઈસીયુ ફૂલ છે, દવા ખૂટી રહી છે, ઓક્સિજનની ઉણપ થઈ રહી છે, ડોકટરો પણ થાક્યા છે. આરટીપીસીઆરના ટેસ્ટ માટે ઇન્તેજાર કરવો પડે છે, રિપોર્ટ અવવામાં સમય લાગી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું  કે, હાલની સ્થિતિને જોતા આર્મીના રિટાયર્ડ ડોકટર, નર્સ તેમજ અન્ય કર્મીઓની મદદ લેવાનો સમય આવ્યો છે. આર્મીનું નેટવર્ક સમગ્ર દેશમાં છે, જ્યાં જરૂર હોય ત્યાં આર્મીને એલર્ટ કરી એમના સંસાધનોની મદદ લેવી જોઈએ. એટલું જ નહીં રેલવેની બોગીમાં સારવાર મળે, એ તૈયારી કરી હતી પણ હવે સમય આવ્યો છે કે એની મદદ લેવી પડશે.

(8:03 pm IST)