ગુજરાત
News of Sunday, 18th April 2021

ગુજરાતમાં ભાજપના એક નેતાના પુત્રના લગ્ન પ્રસંગમાં કોવિડ ગાઈડલાઈન્સના લીરેલીરા ઉડાવ્‍યા: 50ને બદલે 500 ભેગા કર્યાં હતા

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાઈરસની બીજી લહેરનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો અને રાજ્યમાં સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એવામાં ભાજપના એક નેતાના પુત્રના લગ્ન પ્રસંગમાં કોવિડ ગાઈડલાઈન્સના લીરેલીરા ઉડાવવામાં આવ્યા છે.

અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પંચમહાલ જિલ્લાની ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપના પ્રદેશ આદિવાસી મોર્ચાના પૂર્વ મંત્રી રહી ચૂકેલા છેલૂભાઈ રાઠવાના લગ્ન પ્રસંગે કોવિડ ગાઈડલાઈન્સના નિયમો કરતાં વધારે લોકો એકઠા થયા હતા. લગ્નના અઆગલા દિવસે શનિવારે ગોતર દેવીની પૂજા વિધિ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને ડીજેના તાલે લોકો નાચતા જોવા મળ્યા હતા. પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં લોકો જૂમી રહ્યા છે અને તેમના વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જોવા નથી મળી રહ્યું.

જણાવી દઈએ કે, કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે સરકારે લગ્ન પ્રસંગમાં 50 વ્યક્તિઓને આમંત્રણ આપવાનો નિયમ બનાવ્યો છે. એક તરફ સતત વધી રહેલા કેસો વચ્ચે અનેક લોકો પોતાના મંગળ પ્રસંગો રદ્દ કરી રહ્યાં છે. બીજી તરફ નેતાઓ દ્વારા સતત કોવિડ ગાઈડલાઈન્સનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે એક સવાલ ચોક્કસ થાય કે, શું સામાન્ય નાગરિકોને દંડનારી પોલીસ નેતાઓ સામે કોઈ પગલા ભરશે કે કેમ?

(3:32 pm IST)