ગુજરાત
News of Thursday, 18th April 2019

કાલે હનુમાન જ્યંતિને લઇ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ

હનુમાનજી મંદિરોમાં ભકિતસભર ઉજવણી થશે : હનુમાન જ્યંતિ પ્રસંગે ગુજરાતના વિવિધ મંદિરોમાં ભવ્ય જન્મોત્સવ અને ઉજવણીનું આયોજન : ખાસ સમૂહ યજ્ઞ

અમદાવાદ,તા. ૧૮ : આવતીકાલે તા.૧૯મી એપ્રિલે ચૈત્રી સુદ પૂનમ અને હનુમાન જયંતિનો સુંદર યોગ હોઇ હનુમાનજી દાદાના ભકતોમાં હનુમાનજયંતિની ઉજવણી અને પૂજા, હોમ-હવન અને યજ્ઞને લઇ ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે. શુક્રવારે હનુમાનજયંતિને લઇ સાળંગપુર કષ્ટભંજન દેવસ્થાન, ગાંધીનગરના સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી, શાહીબાગના કેમ્પ હનુમાનજી, એસજી હાઇવે પરના મારૂતિ ધામ, ખાડિયાના બાલા હનુમાન, બાપુનગરના નાગરવેલ હનુમાનજી મંદિર, મેમનગરના ભીડભંજન હનુમાનજી, થલતેજના પંચમુખી હનુમાનજી મંદિર, મેમનગર ગામના પંચમુખી હનુમાનજી મંદિર, સોલા રોડ ખાતેના કાંકરિયા હનુમાનજી, વેજલપુરના જીજ્ઞાસા સોસાયટી પાસેના ભીડભંજન હનુમાનજી મંદિર, લોદરા ખાતેના સુપ્રસિધ્ધ હનુમાનજી મંદિર સહિતના દાદાના મંદિરોમાં હનુમાનજી દાદાનો ભવ્ય જન્મોત્સવ અને ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતે આવતીકાલે શુક્વારે સવારે ૭.૦૦ વાગ્યે દાદાનો વિશેષ સમૂહ યજ્ઞ યોજાશે, જેની છેક બપોરે ૧.૦૦ વાગ્યે પૂર્ણાહુતિ થશે. ગાંધીનગર જિલ્લાના ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે તો દાદાને ૧૧૧૧ તેલના ડબાનો ભવ્ય અભિષેક, ૧૫૧ કિલોની કેકના પ્રસાદ અને ૧૦૮ દિવાઓની મહાઆરતી સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. આવતીકાલે તા.૧૯મી એપ્રિલે ચૈત્રી પૂનમે હનુમાનજયંતી હોઇ દાદાના ભકતોમાં તેનું મહાત્મ્ય સ્વાભાવિક રીતે જ વધી જાય છે. શહેરના શાહીબાગ કેમ્પ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજયંતીના દિવસે શુક્રવારે સવારે ૬-૩૦ વાગ્યે દાદાની ભવ્ય આરતી, ૧૦.૦૦ વાગ્યે જન્મોત્સવ, ત્યારબાદ દાદાને ૫૦૦ કિલો દૂધના હલવાનો મહાપ્રસાદ ધરાવાશે, ૧૧.૦૦ વાગ્યે કેમ્પ હનુમાન મંદિર શિખર પર દાદાની ધજારોહણ, ૧૨.૦૦ વાગ્યાથી ભાવિકભક્તો માટે ભંડારાનું આયોજન અને સાંજે ૬.૩૦ વાગ્યે મહાઆરતીનું આયોજન કરાયું છે. આ જ પ્રકારે સાળંગપુર કષ્ટભંજન દેવમંદિર ખાતે શુક્રવારે સવારે ૭.૦૦થી બપોરે૧.૦૦ વાગ્યા સુધી દાદાનો વિશેષ યજ્ઞ થશે. સવારે ૯.૩૦ વાગ્યે કષ્ટભંજન દેવનો ભવ્ય અભિષેક કરાશે. સવારે ૧૧.૩૦ વાગ્યે દાદાને અન્નકુટનો ભોગ ધરાવાશે. જયારે રાત્રે ૯.૦૦થી લોકડાયરા અને ભજનસંધ્યાનું આયોજન કરાયું છે. ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી મંદિરના પૂજારી રાજેશ પ્રવીણચંદ્ર મહેતા, શેખર જોષી(મહારાજ), ટ્રસ્ટી શકરાજી મંગાજી સોલંકી, રાજુભાઇ ગજ્જર સહિતના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજયંતિ નિમિતે ડભોડિયા દાદાના જન્મોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે શુક્રવારે સવારે ૫.૦૦ વાગ્યે દાદાની આરતી, ત્યારબાદ મારૂતિ યજ્ઞ, એ પછી સવારે ૮-૩૦ કલાકે દાદાને ૧૧૧૧ તેલના ડબાનો અભિષેક, સવારે ૯.૩૦ વાગ્યાથી બેન્ડવાજા સાથે ડભોડિયા હનુમાનજી દાદાની શોભાયાત્રા, ૧૧-૪૫ વાગ્યે દાદાની ધજા ચઢાવાશે અને બપોરે ૧૨.૦૦ વાગ્યે દાદાની મહાઆરતી અને ત્યારબાદ ૧૫૧ કિલોની કેક દાદાને પ્રસાદરૂપે અર્પણ કરાશે. આ જ પ્રકારે લોદરા સ્થિત ચમત્કારિક હનુમાનજી દાદાના મંદિરે પણ વિશેષ આરતી, પ્રસાદ અને પૂજા-યજ્ઞનું આયોજન કરાયું છે. બાપુનગરના સુપ્રસિધ્ધ નાગરવેલ હનુમાન, મેમનગરના સુભાષચોક ખાતે પણ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે ખાસ મારૂતિ યજ્ઞ અને રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તો, જીવરાજપાર્ક-વેજલપુર વિસ્તારમાં જીજ્ઞાસા સોસાયટી ખાતેના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે સીતારામ યુવક મંડળ દ્વારા છેલ્લા ૧૭ વર્ષોથી હનુમાનજયંતિની ભવ્ય ઉજવણી થાય છે અને આ વર્ષે પણ ભીડભંજન હનુમાનજી દાદાનો જન્મોત્સવ મહાઆરતી, મારૂતિ યજ્ઞ અને મહાપ્રસાદ સહિતના પ્રસંગો સાથે ભવ્યતાથી ઉજવાશે. અમદાવાદ શહેર સહિત રાજયભરના હનુમાનજી મંદિરોમાં હનુમાનજયંતિને લઇ તેલ-સિંદૂરના ચોળો, અભિષેક, મહાઆરતી, પ્રસાદ, અન્નકુટ ભોગની સાથે સાથે પવિત્ર સુંદરકાંડ, રામપારાયણ, રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરાયું છે. દાદાના ભકતોમાં હનુમાનજયંતિને લઇ ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે.

(8:28 pm IST)