ગુજરાત
News of Thursday, 18th April 2019

ઉમરેઠમાં ગોડાઉનના તાળા તોડી તસ્કરોએ દોઢ લાખની મતાની ઉઠાંતરી કરી

ઉમરેઠ:શહેરના બસસ્ટેન્ડ પાસે આવેલા એક ગોડાઉનમાં ગઈકાલે મધરાત્રીના સુમારે ત્રાટકેલા કેટલાક તસ્કરોએ તાળા તોડીને અંદરથી લાખોની મત્તાની ચીજવસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ઉમરેઠ પોલીસ મથકે હજી સુધી કોઈ ફરિયાદ થવા પામી નથી પરંતુ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ટીનુભાઈ ગાંધી ગુટખા, બીડી-સિગરેટ, સોપારી વગેરેનો હોલસેલ ધંધો કરે છે. બસસ્ટેન્ડ નજીક આવેલા પોલીસ સ્ટેશનની પાછળના શુભલ-મી શોપીંગ સેન્ટરમાં તેમનું ગોડાઉન આવેલુ છે. જેમાં ગઈકાલે રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે તેઓએ મંગાવેલો માલ આવી જતાં ગોડાઉનમાં ઉતારીને ઘરે ગયા હતા. દરમ્યાન મધ્યરાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને લોખંડના દરવાજાના તાળા તોડીને અંદર પ્રવેશ કરીને વિમલ, રજનીગંધા સહિત ગુટખા, સોપારી, સિગરેટો સહિતનો જથ્થો ચોરીને ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે માલિક ગોડાઉન પર આવ્યા અને તપાસ કરી તો ચોરી થયાનુ માલુમ પડ્યુ હતુ. જેથી તેઓએ તુરંત જ ઉમરેઠ પોલીસનો સંપર્ક કરતાં પોલીસ આવી ચઢી હતી અને તપાસ હાથ ધરી હતી. 

(6:30 pm IST)