ગુજરાત
News of Tuesday, 18th February 2020

ગરુડેશ્વર ખાતે આવેલી ઇલેક્ટ્રોનિકની દુકાનમાંથી ૨.૪૮ લાખના મોબાઈલ અને ટીવીની ચોરી:રાજપીપળા અને ગરુડેશ્વરમાં ઇલેક્ટ્રોનિકની દુકાન ધરાવતા વેપારીની ગરુડેશ્વરની દુકાનમાંથી ૧૭ મોબાઈલ અને ૨ એલઈડી ટીવીની ચોરી કરી અજાણ્યા ચોરો ફરાર

ચોરો એક જીપમાં આવ્યા હોય દુકાન બહારનો સીસીટીવી કેમેરો ઊંચો કરી ચોરીને અંજામ આપ્યો: પાડોશી જાગી જતા બાકીનો સામાન બચી ગયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ એક બાદ એક ચોરીના ગુના પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે છતાં ચોરો હજુ પોલીસ પકડમાં આવતા નથી ત્યાં ગતરાત્રે ગરુડેશ્વર ખાતે વધુ એક ચોરી થતા પોલીસના રાત્રી પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

  રાજપીપળામાં રહેતા સજીદભાઈ મેમણ નામના વેપારીએ ચાર મહિના પહેલાજ ગરુડેશ્વર ખાતે સેલ્સ પ્લાઝા નામની ઇલેકટ્રોનિકની દુકાન શરૂ કરી હતી આ દુકાન માં ગતરાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિઓ જીપ લઈ આવી દુકાનનું સટર વચ્ચે થી ઊંચું કરી અંદર મુકેલા મોબાઈલ, ટીવી સહિતના સામાનમાંથી ૧૭ નંગ મોબાઈલ જેની કિંમત રૂ.૨,૧૮,૦૦૦ તેમજ એલસીડી ટિવી-૨ નંગ કિંમત રૂ.૩૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૨,૪૮, ૦૦૦ના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

 ચોરોએ દુકાની બહાર લાગેલો સીસીટીવી કેમેરો ઊંચો કરી ચોરીને અંજામ આપ્યો હતો.જીપ લઈ આવેલા ચોરો વધુ સામાનની ચોરી કરે તે પહેલાજ પાડોશી જાગી જતા ૧૭ મોબાઈલ અને ૨ ટીવીની ચોરી કરી ચોરો ભાગી છૂટયા હતા.

  આ બાબતે દુકાન માલીક સજીદભાઈ મેમણની ફરિયાદના આધારે પોલીસે ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કરી ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(4:16 pm IST)