ગુજરાત
News of Sunday, 18th February 2018

સુરતમાં વધુ એક પીઆઇ પટેલ સસ્પેન્ડ

સુરતઃ સુરતમાં જાણે પોલીસ માટે કપરો સમય ચાલતો હોય તેમ ઉપર-ઉપર ત્રીજા પીઆઇ પટેલને સસ્પેન્ડ કરાયાનું બહાર આવેલ છે.

સુરતઃ કાપોદ્રા પોલીસ મથકમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર વી.કે. પટેલને શનિવારે સાંજે સસ્પેન્ડ કરાયા હતા. એ સાથે સુરત પોલીસમાં બીજા પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ થયા છે. આ અગાઉ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. નકુમને સસ્પેન્ડ કર્યા હતા.

પોલીસ કમિશનર તરીકેના સતીશ શર્માના દોઢ વર્ષના કાર્યકાળમાં સામાન્ય સંજોગોમાં કોઈને પણ સસ્પેન્ડ કરવાની વાત બનતી ન હતી પરંતુ પોઈ નકુમ વિરુદ્ધ એક ડઝન જેટલી ઇન્ક્વાયરી ચાલતી હતી. વળી, પોતાના કાર લઈ નકુમ બીઆરટીએસમાં ચલાવતા હતા તે વીડિયો વાઇરલ થયો તે ઘટનાને ધ્યાને લઈ થોડા દિવસ પૂર્વે તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા. જે દોઢ વર્ષમાં સસ્પેન્ડ થનારા પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર હતા.

દરમિયાન શનિવારે સાંજે પોલીસ કમિશનર સતીશ શર્માએ કાપોદ્રાના પોઈ વી.કે. પટેલને સસ્પેન્ડ કર્યા છે. થોડા દિવસો પૂર્વે કાપોદ્રા વિસ્તારમાં ડીજી વિજિલન્સની ટીમે દારૂ અંગે દરોડો પાડ્યો હતો. તે વખતે મોટી માત્રામાં દારૂ કબજે કરાયો હતો. આ કેસને ધ્યાને લઈ પોલીસ કમિશનરે તપાસનો આદેશ કર્યો હતો. તપાસના અંતે આખરે શનિવારે સાંજે કાપોદ્રા પોઈ વી.કે. પટેલને સસ્પેન્ડ કરી તેમની જગ્યાએ એન.ડી.સોલંકીની નિમણૂક કરી હતી.

(11:02 pm IST)